PM Narendra Modi in Hansalpur: હાંસલપુરમાં મોદીએ કહ્યું- મારુતિ-સુઝુકીએ મારા ઇ-એમ્બ્યુલન્સના પડકારને સ્વીકાર્યો, 6 મહિનામાં પ્રોટોટાઇપ તૈયાર કર્યો

પીએમ મોદીએ કહ્યું, ગયા વર્ષે મે સિંગાપોરની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે આપણે આપણી જૂની ગાડીઓને અને જૂની એમ્બ્યુલન્સને હાઇબ્રિડ ઇવીમાં બદલી શકીએ છીએ.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Tue 26 Aug 2025 02:51 PM (IST)Updated: Tue 26 Aug 2025 02:52 PM (IST)
pm-narendra-modi-in-hansalpur-gujarat-maruti-suzuki-accepts-e-ambulance-challenge-to-help-cut-pollution-592085

PM Modi, Suzuki Motor Plant in Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતમાં મારુતિ સુઝુકીના સહયોગથી ઇલેક્ટ્રિક વ્હીકલના ઉત્પાદનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, આ 'મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ'ના ધ્યેય તરફ એક મોટું પગલું છે. હવેથી ભારતમાં બનેલા ઇલેક્ટ્રિક વ્હીકલ્સ 100 દેશોમાં નિકાસ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાંસલપુર ખાતે સંબોધન કરતાં જણાવ્યું હતું કે મારુતિ-સુઝુકીએ તેમની ઇ-એમ્બ્યુલન્સના પડકારને સ્વીકારીને પ્રોટોટાઇપ તૈયાર કર્યું છે. તેમણે ઉમેર્યું કે ગયા વર્ષે સિંગાપોરની મુલાકાત દરમિયાન તેમણે જૂની એમ્બ્યુલન્સને હાઇબ્રિડ ઇવીમાં રૂપાંતરિત કરવાનો વિચાર રજૂ કર્યો હતો. જેનો પ્રોટોટાઇપ હમણા મે જોયો પીએમ ઇ-ડ્રાઇવને બંધ બેસે તેવો છે.

હાઇબ્રિડ એમ્બ્યુલન્સનું નિર્માણ

વડાપ્રધાન મોદીએ કહ્યું કે થોડાં વર્ષો પહેલાં સુધી ઇવીને માત્ર એક નવા વિકલ્પ તરીકે જોવામાં આવતું હતું, પરંતુ મારું માનવું છે કે ઇવી અનેક સમસ્યાઓનું નક્કર સમાધાન છે. આથી ગયા વર્ષે મે સિંગાપોરની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે આપણે આપણી જૂની ગાડીઓને અને જૂની એમ્બ્યુલન્સને હાઇબ્રિડ ઇવીમાં બદલી શકીએ છીએ. મારુતિ સુઝુકીએ આ પડકારને સ્વીકાર્યો અને માત્ર છ મહિનામાં એક વર્કિંગ પ્રોટોટાઇપ તૈયાર કરી દીધું. હાઇબ્રિડ એમ્બ્યુલન્સ પીએમઈ ડ્રાઇવ સ્કીમમાં પૂરી રીતે બંધબેસે છે. લગભગ 11,000 કરોડની આ યોજનામાં ઇ-એમ્બ્યુલન્સ માટે પણ બજેટ નિર્ધારિત કરવામાં આવ્યું છે. હાઇબ્રિડ ઇવીથી પ્રદૂષણ પણ ઘટશે અને જૂના વહીવટને ટ્રાન્સફોર્મ કરવાનો વિકલ્પ પણ મળશે.

ઈવી ઈકોસિસ્ટમ અને બેટરી ઉત્પાદન

વડાપ્રધાને જણાવ્યું કે આપણે સૌ જાણીએ છીએ કે ઇવી ઇકોસિસ્ટમનો સૌથી મહત્વપૂર્ણ ભાગ બેટરી છે. થોડાં વર્ષો પહેલાં સુધી ભારતમાં બેટરી સંપૂર્ણપણે આયાત થતી હતી. ઇવી મેન્યુફેક્ચરિંગને મજબૂતી આપવા માટે જરૂરી હતું કે ભારત બેટરીનું પણ નિર્માણ કરે. આ વિઝનને લઈને 2017માં અમે અહીં ટીએસડીજી બેટરી પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો હતો. ટીએસડીજીની નવી પહેલ પર આ ફેક્ટરીમાં ત્રણ જાપાની કંપનીઓ મળીને ભારતમાં પહેલીવાર સેલ મેન્યુફેક્ચરિંગ કરશે. ભારતમાં બેટરી સેલના ઇલેક્ટ્રોડ પણ સ્થાનિક સ્તરે તૈયાર થશે. આ લોકલાઇઝેશન ભારતની આત્મનિર્ભરતાને નવી શક્તિ આપશે અને હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વ્હીકલ્સના કારોબારમાં વધુ ઝડપ આવશે. તેમણે આ ઐતિહાસિક શરૂઆત માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

જાપાન સાથે મજબૂત સંબંધો

વડાપ્રધાને જણાવ્યું કે આવતા અઠવાડિયે હું જાપાન જઈ રહ્યો છું. ભારત અને જાપાનનો સંબંધ માત્ર ડિપ્લોમેટિક રિલેશનથી ક્યાંય ઉપર સાંસ્કૃતિક અને વિશ્વાસનો સંબંધ છે. અમે એકબીજાની પ્રગતિમાં પોતાની પ્રગતિ જોઈએ છીએ. મારુતિ સુઝુકી સાથે અમે જે જર્ની શરૂ કરી હતી તે હવે બુલેટ ટ્રેનની સ્પીડ સુધી પહોંચી ચૂકી છે. ભારત-જાપાન પાર્ટનરશિપની ઔદ્યોગિક સંભાવનાઓને સાકાર કરવાની મોટી પહેલ ગુજરાતથી જ થઈ હતી. તેમણે વાઇબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત અને તેમાં જાપાનના સહયોગને યાદ કર્યો હતો.

ગુજરાતમાં જાપાનીઝ કલ્ચરને પ્રોત્સાહન

વડાપ્રધાને ગુજરાતમાં જાપાનીઝ કલ્ચરને પ્રોત્સાહન આપવા માટે કરેલા પ્રયાસો વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે જાપાનીઝ લોકોને તેમની કલ્ચરલ ઇકોસિસ્ટમ પહેલી પ્રાથમિકતા હોય છે, જેમાં જાપાનીઝ ફૂડ જોઈએ. આથી તેમણે જાપાનીઝ ક્વિઝીનની વ્યવસ્થા કરાવી હતી. આ ઉપરાંત, જાપાનીઝ લોકોને ગોલ્ફ વગર ચાલતું નથી, આથી તેમણે ગુજરાતમાં ગોલ્ફ કોર્સ પણ ડેવલપ કરાવ્યા હતા. એટલું જ નહીં, તેમણે સ્કૂલો, કોલેજો અને યુનિવર્સિટીઓમાં જાપાનીઝ ભાષા શીખવવાને પ્રાથમિકતા આપી હતી.