PM Modi, Maruti e Vitara: ગુજરાત આજે ઓટોમોબાઈલ ઉદ્યોગમાં એક નવો માઈલસ્ટોન સ્થાપિત કરશે. PM નરેન્દ્ર મોદી આજે હાંસલપુર સ્થિત મારુતિ સુઝુકીના પ્લાન્ટ ખાતે દેશની પ્રથમ ઇલેક્ટ્રિક કાર Maruti e Vitaraનું લોકાર્પણ કરશે. આ સાથે જ તેઓ બેટરી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરશે. આ ઇલેક્ટ્રિક કાર ભારતમાં નિર્મિત છે અને જાપાન સહિત 100થી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવશે, જે ગુજરાતને વૈશ્વિક ઓટોમોબાઈલ હબ બનાવવાની દિશામાં એક મોટું કદમ છે. આ કાર એક જ ચાર્જમાં 500 કિલોમીટરથી વધુની રેન્જ ધરાવે છે.
ઇ-વિટારા: ફીચર્સ અને કિંમત
મારુતિ સુઝુકીએ આ વર્ષે જાન્યુઆરીમાં ઇન્ડિયા ગ્લોબલ મોબિલિટી એક્સપો 2025માં પહેલીવાર ઇ-વિટારાનું અનાવરણ કર્યું હતું. આ કાર બે બેટરી પેક વિકલ્પો સાથે ઉપલબ્ધ થશે: 49 kWh અને 61 kWh. કંપનીનો દાવો છે કે 61 kWh બેટરી પેકવાળી કાર એકવાર ફુલ ચાર્જ થયા પછી 500 કિલોમીટરથી વધુનું અંતર કાપી શકે છે. અપેક્ષિત કિંમત વિશે વાત કરીએ તો, 49 kWh બેટરી પેકવાળા બેઝ મોડેલની એક્સ-શોરૂમ કિંમત 20 લાખ રૂપિયાથી શરૂ થઈ શકે છે, જ્યારે 61 kWh બેટરી પેકવાળા હાઈ પાવર મોડેલની કિંમત ૨૫ લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) અને E-ઓલ ગ્રિપ AWD વર્ઝનની કિંમત 30 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) સુધી હોઈ શકે છે.
ગુજરાત ઓટોમોબાઈલ હબ બનવાની દિશામાં અગ્રેસર
વર્ષ 2012માં ગુજરાત સરકારે માંડલ-બેચરાજી સર (MBSIR)ની જાહેરાત કરી હતી, જે હવે ભારતનું સૌથી મોટું ઓટોમોબાઈલ હબ બની રહ્યું છે. અહીં મારુતિ સુઝુકી, હોન્ડા, ફોર્ડ, SAIC અને ટાટા મોટર્સ જેવી મોટી કંપનીઓ કાર્યરત છે. અત્યાર સુધીમાં અહીં 12,000 કરોડ રૂપિયાનું રોકાણ થઈ ચૂક્યું છે અને વાર્ષિક 10 લાખથી વધુ કારનું ઉત્પાદન થાય છે, જે આગામી પાંચ વર્ષમાં 25 લાખ સુધી વધવાની શક્યતા છે. આ ઉપરાંત, વડાપ્રધાન મોદીએ ગઈકાલે અમદાવાદમાં 5,477 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું અને પોતાના સંબોધનમાં ભારતને આત્મનિર્ભર બનાવવાની વાત પર ભાર મૂક્યો હતો.