Mahisagar | Gujarat Rain Data: બંગાળની ખાડીમાં સક્રિય થયેલી અપર એર સાયક્લોનિક સિસ્ટમ લો પ્રેશર બનીને મધ્ય પ્રદેશ તરફ આગળ વધી રહી છે, જેના પગલે છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજા ગુજરાતના અલગ-અલગ ભાગોમાં બઘડાટી બોલાવી રહ્યા છે. ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. એવામાં મહીસાગર જિલ્લામાં સતત બીજા દિવસે પણ મેઘાવી માહોલ જામતા સાર્વત્રિક નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.
બપોરે 2 થી 4 વાગ્યા સુધીના વીતેલા 2 કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના 54 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં મહીસાગર જિલ્લાના 6 તાલુકા પૈકી કડાણામાં સૌથી વધુ 104 મિ.મી (4 ઈંચ), સંતરામપુરમાં 95 મિ.મી (3.7 ઈંચ),બાલાસિનોરમાં 3 મિ.મી., વીરપુરમાં 3 મિ.મી અને ખાનપુરમાં 2 મિ.મી વરસાદ વરસ્યો છે.
કડાણા ડેમ ઑવરફ્લો, 110 ગામોને એલર્ટ કરાયા
મહીસાગર જિલ્લા તેમજ ઉપરવાસમાં પડી રહેલા અવિરત વરસાદના કારણે કડાણા ડેમ ઑવર ફ્લો થઈ ગયો છે. કડાણા ડેમના 6 ગેટ ચાર ફૂટ ખોલીને 59 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. જે પૈકી મહીસાગર જિલ્લાના 110 અને પંચમહાલના 18 ગામના લોકોને એલર્ટ કરાયા છે.
ગુજરાતના 95 તાલુકામાં નોંધપાત્ર વરસાદઃ પંચમહાલના હાલોલમાં સૌથી વધુ 9.8 ઈંચ ધોધમાર ખાબક્યો
આજે આખા દિવસ દરમિયાન 95 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જે પૈકી પંચમહાલ જિલ્લાના હાલોલમાં સૌથી વધુ 9.8 ઈંચ ધોધમાર વરસાદ નોંધાયો છે. જ્યારે આણંદ જિલ્લાના ઉમરેઠમાં 120 મિ.મી (4.7 ઈંચ) વરસાદ પડ્યો છે. જ્યારે આજે આખા દિવસ દરમિયાન 29 તાલુકામાં 1 ઈંચથી વધુ, 7 તાલુકામાં 2 ઈંચથી વધુ અને 5 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.