Satadhar Temple History: સતનો આધાર એટલે સતાધાર. જ્યાં ભૂખ્યાને ભોજન અને નિરાધારને આશરો મળે છે. એવી પાવન ધરા છે અને જગ્યા છે જ્યાં અન્નના ભંડાર ક્યારેય ખાલી થતા નથી. જ્યાં રસોડું 24 કલાક ધમધમે છે. કોઈપણ સમયે ભૂખ્યાને કોઈપણ ચાર્જ વગર જમાડવામાં આવ છે. એવું કહેવાય છે કે આ જગ્યામાં આવતા દૂધના કેનમાં ક્યારેય મેરવણ નાખવામાં આવતું નથી છાસ એની મેળે બની જાય છે. અહીં અખંડ સેવાની જ્યોત ચાલે છે એવી જગ્યા હાલ વિવાદના કારણે ચર્ચામાં છે ત્યારે ગુજરાતી જાગરણ આ જગ્યાનો ઈતિહાસ અને તેનું ધાર્મિત મહત્વ તમને જણાવશે.
સતાધાર નો ઇતિહાસ
સતાધારની જગ્યાના ઈતિહાસની વાત કરીએ તો ઇ.સ. 1800માં આપાગીગા સત્તાધાર આવ્યા હતા અને લોકસેવા શરૂ કરી. તેમણે અનેક પરચા આપ્યા. તેમની પાસે એક દૈવ્ય શક્તિ હતી જે તેમને મહાદેવ અને ગુરુ શ્રી દાન મહારાજ પાસેથી મળી હતી. તેઓ માત્ર લોકસેવા જ નહીં પરંતુ ગૌસેવા પણ કરતા હતા. તેમણે સત્તાધારની જગ્યા સ્થાપી અને લોકસેવા શરૂ કરી હતી. તેમણે ત્યાં મહાદેવ મંદિર બનાવડાવ્યું. કોઇપણ સમયે કોઇપણ આવે તેને ભોજન પૂરુ પાડવામાં આવતું. ગૌશાળા શરૂ કરી, ઉપરાંત અન્ય ઘણી સેવા કરવામાં આવતી હતી અને અત્યારે પણ કરવામાં આવે છે. દેશભરમાંથી આવતા સાધુ સંતો આ સ્થળે વિશ્રામ કરવા માટે રોકાય છે અને અહીંના વાતાવરણનો લુત્ફ ઉઠાવે છે.
ધાર્મિક મહત્વની વાત કરીએ તો આપાદાનાને પગે લાગી આપાગીગા 108 ગાયોને લઇને ચલાળાથી નીકળ્યા. ફરતા-ફરતા તેઓ આંબાઝર નદીના કાંઠે ઝુપડી બાંધીને રહ્યાં. ત્યાં એક પટેલની વાડીમાં આપાગીગાની ગાયો શેરડીના ખેતરમાં ઘુસી ગઇ અને પટેલને ભારે નુક્સાન થયું. આપાગીગાએ પટેલને સાથી બનાવવા કહ્યું. કામ કરીને અમે તારા નુક્સાની ભરપાઇ કરીશું. આપાગીગા અને સાથી સાધુઓએ કામ કરીને સારો એવો શેરડીનો વાઢ ઉછેર્યો. આપાગીગાએ પટેલને પૂછ્યું કે કેટલો ગોળ થશે? થશે પટેલે કહ્યું કે પાંચસો માટલા. આપાગીગાએ કહ્યું તેનાથી વધારે થાય તો. પટેલે કહ્યું કે જો વધારે થાય તો ગાયોને ચરાવી દઇશ. ચિંચોડો મંડાણો અને પાંચસોના બદલે આઠસો માટલા ભરાયા અને બીજો વાઢ પીલવાનો બાકી હતો. પટેલ આ ચમત્કાર જોઇને આપાગીગાના પગમાં પડી ગયા. પટેલે વચન પ્રમાણે 300 માટલા ધર્માદામાં આપ્યા અને બાકીના વાઢમાં ગાયોને ચરવા માટે મૂકી દીધી. તેમજ વાડી આપાગીગાને આપી દેવાનું પણ કહ્યું. આંબાઝર નદીના કાંઠે આપાગીગાનું સદાવ્રત ચાલુ થયું. સતાધારનું ડિટ બંધાણું અને સતાધારની જગ્યા ગાયોની સેવા અને અન્નક્ષેત્ર ચાલુ થયાં. જે આજે પણ અવિરત પણે ચાલે છે.
સતાધારમાં પાડાની પીરની કહાની
સતાધારમાં ભોજ નામની ભેંસ હતી, જેનું દૂધ મંદિરે ચરણામૃતમાં ધરાવવામાં આવતું હતું. ભોજ ભેંસના પાડા અને પાડીને જીવની જેમ સાચવવામાં આવતા હતા. એક દિવસ સાવરકુંડલાના નેસડી ગામેથી કેટલાક લોકો અહીં આવે છે અને શામજીબાપુ પાસે એક સારા પાડાની માગણી કરે છે. બાપુ પાડો આપે છે પરંતુ શરત મૂકે છે કે તેને દીકરાની જેમ સાચવવો અને જો ન પોષાય તો પાડો જગ્યાએ પાછો મૂકી જજો. બજારમાં ક્યાંય વેંચતા નહીં. થોડાક વર્ષો બાદ હમીર કોળીને દેવનું તેડું આવ્યું અને તેમના પત્નીએ 1500 રૂપિયામાં પાડો વેંચી દીધો. પાડો ખરીદનારા બચુભાઇએ આની સારી કિંમત આવશે તેમ વિચારી પાડો મુંબઇમાં 5 હજારમાં કસાઇને વેંચ્યો.
કતલખાનામાં પાડાને કાપવા માટે કરવત ડોક પર અડાડી પણ કરવતના કટકાં થઇ ગયા. કસાઇએ બીજી કરવત લીધી પરંતુ તેના પણ એવા જ હાલ થયા. કરવતના કટકાં એ રીતે ઉડ્યાં કે કસાઇના પગ કપાઇ ગયા. એ જ રાત્રે કસાઇના દિકરાને રાત્રે સ્વપ્ન આવ્યું અને તેમાં એક સંતે કહ્યું કે આ પાડો મારી જગ્યાનો છે, ત્યાં પાછો મૂકી આવો. આ પાડો પાછો સાવરકુંડલા આવ્યો અને ત્યાંથી ફરી સતાધારની જગ્યાએ. સતાધારમાં આ પાડો પાડાપીર તરીકે પૂજાયો અને પાડાએ જીવ છોડ્યો ત્યારે તેની સમાધિ બનાવવામાં આવી.
અહીં રહેવા અને જમવાની સારી વ્યવસ્થા છે. રોજ હજારો શ્રદ્ધાળુંઓ જમે છે. એ પણ જેવું તેવું નહીં. તમામ પ્રકારની વાગનીઓ અહીં થાળીમાં પીરસવામાં આવે છે. જેમાં મીસ્ટાન, શાક, રોટલી દાળ, ભાત, છાસ વગેરે. સતાધારની જગ્યામાં રોટલો રામ સ્વરૂપ છે. જ્યાં દેવાવાળો કોઈ દૂબળો નથી. અહીં લેનારને ખબર નથી કે દેનાર કોણ છે? અહીં ખાનાર પણ રામ છે અને ખવડાવનાર પણ રામ છે. વર્ષોથી અહીં કંઈ ખૂંટતું જ નથી. સત્ અપરંપાર છે.
સત્તાધાર વિસાવદરથી 7 છે. અહીં જવા માટે ખાનગી બસો વિસાવદર સુધી અને સરકારી બસો સત્તાધાર સુધી જાય છે. મોટાભાગના લોકો ખાનગી વાહનો લઈને આવવાનું વધારે પસંદ કરે છે. અમદાવાદ 314 કિ.મી., રાજકોટ 135 કિ.મી., દિવ 165 કિ.મી. છે.