VIDEO: જટાશંકર ધોધમાં અચાનક ઘોડાપૂર આવતા 300થી વધુ પ્રવાસીઓ ફસાયા, વન વિભાગની ટીમે જીવ જોખમમાં મૂકી તમામને બહાર કાઢ્યા

ઉપરવાસમાં ગિરનારના જંગલમાં ભારે વરસાદ પડતાં અચાનક ધોધમાં ઘોડાપૂર આવતા સહેલાણીઓ ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે ફસાઈ ગયા.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sun 17 Aug 2025 10:26 PM (IST)Updated: Sun 17 Aug 2025 10:26 PM (IST)
junagadh-news-tourist-stuck-in-jata-shankar-water-falls-forest-department-rescue-587194
HIGHLIGHTS
  • જન્માષ્ટમીની રજાઓ હોવાથી સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા

Junagadh: તહેવારોના દિવસોમાં પ્રકૃતિનો આનંદ માણવા ગયેલા પ્રવાસીઓ માટે એક ભયાનક ઘટના બનતા રહી ગઈ હતી. ગિરનારના જંગલોમાં ભારે વરસાદના કારણે જટાશંકરના ઝરણામાં અચાનક ઘોડાપૂર આવ્યું હતું. જેના કારણે 300થી વધુ પ્રવાસીઓ ત્યાં ફસાઈ ગયા હતા. જોકે વન વિભાગની સરાહનીય કામગીરીને કારણે તમામને સુરક્ષિત બહાર કાઢી લેવાયા હતા.

જન્માષ્ટમીની રજાઓ હોવાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ જટાશંકરના ધોધની મુલાકાતે ગયા હતા. આ સમયે ઉપરવાસમાં ગિરનારના જંગલમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના પરિણામે ધોધમાં અચાનક ઘોડાપૂર આવ્યું હતું. ઘોડાપૂરનું પાણી જોરદાર પ્રવાહ સાથે આવતા 300થી વધુ લોકો ફસાઈ ગયા હતા. જેમાંથી ઘણા લોકોએ સલામત સ્થળે આશ્રય લીધો હતો.

આ ઘટનાની જાણ થતા જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ટીમે ઝડપી અને સુવ્યવસ્થિત બચાવ અભિયાન શરૂ કર્યું હતું. જોખમ હોવા છતાં વન વિભાગના કર્મચારીઓએ હિમ્મતપૂર્વક ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. આ બચાવ કામગીરીને કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી. વન વિભાગની સમયસૂચકતા અને બહાદુરીને કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી.