Vadodara: 'ગેસનું બિલ ભરાયું નથી'- મેસેજ મળતા જ આધેડ સાયબર ગઠિયાની જાળમાં ફસાયા, એક ક્લિકમાં રૂ. 12.81 લાખ ગુમાવ્યા

વોટ્સએપ પર ગેસનું બિલ ભરવા માટે APK ફાઈલ મોકલી, જે ના ખુલતા મોબાઈલ સેટિંગ્સમાં જઈ એક્સેસ આપવાનું કહ્યું. 12 રૂપિયા ભરો આવતા મહિના પાછા મળશે કહી આધેડને વિશ્વાસમાં લીધા.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sun 17 Aug 2025 09:37 PM (IST)Updated: Sun 17 Aug 2025 09:37 PM (IST)
vadodara-news-rs-12-lakh-online-fraud-on-the-name-of-gas-bill-587182
HIGHLIGHTS
  • CVV માંગતા શંકા જતાં એપ બંધ કરી દીધી
  • ક્રાઈમ બ્રાન્ચની તપાસને અંતે રૂ.3.05 લાખ પરત મળ્યા

Vadodara: વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં ગેસ બિલના બહાને સાઇબર ઠગાઈનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. વોટ્સએપ પર મોકલાયેલા મેસેજ અને ફિશિંગ APK ફાઇલ દ્વારા ઠગોએ મહિલાના પતિનો મોબાઇલનો ઍક્સેસ મેળવી બેંક ખાતામાંથી 12.81 લાખ રૂપિયા ઉડાવી લીધા હતા.

ફરિયાદ મુજબ, ગત 12 જૂનના રોજ સાંજે લગભગ પાંચ વાગ્યે મહિલાના પતિને અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો કે, તમારું ગેસ બિલ ભરાયું નથી, આજે નહી ભરો તો કનેક્શન કપાઈ જશે. આ સાથે વધુ માહિતી માટે એક નંબર પર સંપર્ક કરવા પણ જણાવાયું હતું. પતિએ ફોન કરવાનો પ્રયાસ કર્યો પરંતુ કૉલ ન લાગતાં થોડા સમય બાદ સામે પક્ષે જ ફોન કરીને ગેસ બિલ ભરવા APK ફાઇલ મોકલવામાં આવી.

આ ફાઇલ ખોલતાં કામ ન કરતી હોવાથી વીડિયો કૉલ કરીને મોબાઇલ સેટિંગ્સમાં ઍક્સેસ ચાલુ કરવાની સૂચના આપવામાં આવી. જે બાદ એપ ખોલીને માત્ર 12 રૂપિયા ભરો, જે આગલા મહિને પરત મળશે, તેવી માંગણી કરવામાં આવી. CVV અને એપ્લિકેશન કાર્ડ નંબર માંગતા શંકા થતાં વિગતો ન ભરી અને એપ બંધ કરી દીધી. ત્યારબાદ સતત અજાણ્યા નંબર પરથી કૉલ આવતા તેમણે ફોન બંધ કરી દીધો.

જો કે રાત્રે ફોન ચાલુ કરતા OTP મળ્યા, જે બે અલગ નંબર પર ફોરવર્ડ થયેલા હતા. જે બાદ RBL બેંક તરફથી ઈમેઈલ મળ્યો, જેમાં ખાતામાંથી 12.81 લાખ રૂપિયા કપાઈ ગયાની જાણકારી મળી. આ ઘટનાની જાણ થતા સાયબર ક્રાઇમ પોલીસને ફરિયાદ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન 3.05 લાખ રૂપિયા પરત મળ્યા છે, જ્યારે બાકી 9.76 લાખ હજુ સુધી ગુમ છે.

આ બનાવને પગલે વડોદરા સાઇબર ક્રાઇમ પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અને નાગરિકોને અજાણ્યા મેસેજ, APK ફાઇલ અથવા લિંકથી સાવચેત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.