Junagadh | Gujarat Rain Data: આજે ગુજરાતના 165 તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે. જે પૈકી જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક સાંબેલાધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના પગલે જિલ્લાના અનેક ગામોમાં NDRFની ટીમો દ્વારા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.
માણાવદરના દગડ ગામમાં આવેલ તળાવનો પાળો તૂટ્યો
ધોધમાર વરસાદના કારણે માણાવદર તાલુકાના દગડ ગામ પાસે આવેલા એક તળાવનો પાળો તૂટી ગયો છે. જેના કારણે તળાવનું પાણી આસપાસના ગામોમાં ઘૂસી ગયું છે.
માણાવદર તાલુકામાં થયેલી અતિભારે વરસાદને કારણે 500થી પણ વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત માણાવદર તાલુકાના 10 જેટલા ગામોનો સંપર્ક તૂટી ગયો છે અને ત્યાંની સંચાર વ્યવસ્થા પણ ઠપ થઈ ગઈ છે. અનેક ગામોમાં પાણી ઘૂસી જવાથી લોકોના જીવન પર ગંભીર અસર પડી છે અને તેમના ઘરોમાં પણ ભારે નુકસાન થયું છે.
ઘેડ પંથક જળમગ્ન, નદીઓ ગાંડીતૂર
જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના કારણે ઘેડ પંથક સંપૂર્ણપણે જળમગ્ન થઈ ગયો છે. જિલ્લાની મુખ્ય નદીઓ જેવી કે ઓઝત, ઉબેન, અને મધુવંતી ગાંડીતૂર બનીને બે કાંઠે વહી રહી છે, અને તેમનું પાણી ઘેડ વિસ્તાર સુધી પહોંચી ગયું છે.
આ ભારે વરસાદના કારણે જિલ્લાના અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે. જેમાં મધરા, મૂલિયાસા, જૌનપુર, બામનાસા, અને બલગામ જેવા ગામોનો સમાવેશ થાય છે. આ ગામોના લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
માણાવદર તાલુકામાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ વચ્ચે NDRFની ટીમે બચાવ કામગીરી હાથ ધરી છે. માણાવદર તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં ફસાયેલા 12 લોકોને NDRFની ટીમે સફળતાપૂર્વક બચાવી લીધા છે.
કેશોદના SDS તરફથી મળેલી માહિતી અનુસાર, માણાવદર તાલુકાના માણેકવાડા ગામના નીચાણવાળા વિસ્તારોમાં લગભગ ૧૦ થી 15 લોકો ફસાયા હોવાની જાણ થઈ હતી. આ માહિતી મળતા જ NDRFની 6ઠ્ઠી બટાલિયનની એક ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
NDRFની ટીમે 4 પુરુષો, 3 મહિલાઓ અને 5 બાળકો સહિત કુલ 12 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. આ સમયસરની અને સક્રિય બચાવ કામગીરીને કારણે મોટી જાનહાનિ ટળી છે.
ઓઝત નદીના પાળા તૂટતાં મકાનો જમીનદોસ્ત
ઓઝત નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. નદીમાં પાણીનો પ્રવાહ વધતાં, નદીકાંઠે આવેલા પાળા તૂટી ગયા છે. આના પરિણામે, નદીના કાંઠે આવેલા કેટલાક મકાનો પણ જમીનદોસ્ત થઈ ગયા છે અને ઘરોમાં પાણી ઘૂસી ગયું છે, જેના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગુજરાતના 80 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ
આજે રાજ્યના 80 તાલુકામાં 1 ઈંચથી વધુ, 55 તાલુકામાં 2 ઈંચથી વધુ, 34 તાલુકામાં 3 ઈંચથી વધુ અને 25 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જે પૈકી સૌથી વધુ વરસાદ જૂનાગઢ જિલ્લાના મેંદરડામાં 331 મિ.મી (13 ઈંચ) ખાબક્યો છે. આ સિવાય અન્ય તાલુકામાં કેશોદમાં 280 મિ.મી, વંથલીમાં 260 મિ.મી, પોરબંદરમાં 256 મિ.મી, ગણદેવીમાં 233 મિ.મી., માણાવદરમાં 206 મિ.મી, નવસારીના ચીખલીમાં 191 મિ.મી, રાણાવાવમાં 170 મિ.મી વરસાદ વરસ્યો છે.
જ્યારે 4 થી 6 વાગ્યા સુધીના 2 કલાકના સમયગાળા દરમિયાન 91 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી સુરતના માંગરોળમાં 33 મિ.મી, કચ્ચના અબડાસા અને અરવલ્લીના ધનસુરામાં 30-30 મિ.મી, લખપતમાં 29 મિ.મી વરસાદ વરસ્યો છે.