Gandhinagar News: નવી શિક્ષણ નિતીના અમલીકરણ માટે શિક્ષકોની તાલીમ યોજાઈ રહી છે. 18 ઓગસ્ટથી શરૂ થયેલી આ તામીલ 1 મહિનો અને 10 દિવસ સુધી ચાલવાની છે. ધોરણ 3થી 8ના દરેક શિક્ષકે 50 કલાક સુધી તાલીમ લોવાની છે. શિક્ષકો તાલીમમાં વ્યસ્ત રહેવાથી વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર પડે તેવી ભીંતિ સાથે શિક્ષક સંઘો દ્વારા સરકારના આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે. જુઓ આ વિશેષ અહેવાલ.
નેશનલ એજ્યુકેશન પોલીસી 2020 તેમજ નેશનલ કરિકુલમ ફ્રેમવર્ક 2023 ને કેન્દ્રમાં રાખીને વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તકો, વર્ગખંડમાં ભણાવવાની પદ્ધતિ તેમજ તેના મૂલ્યાંકનમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવી રહ્યો છે. આ ફેરફારની અસર વર્ગખંડ સુધી પહોંચે તે માટે જીસીઇઆરટી દ્વારા ધોરણ 3 થી 8ની વિષયવાર શિક્ષક આવૃત્તિઓ તૈયાર કરવામાં આવી છે. રાજ્યના ધોરણ 3 થી 8ના તમામ શિક્ષકોને ‘શિક્ષક આવૃત્તિના ઉપયોગ’ અંગે GCERT દ્વારા તાલીમ અપાઈ રહી છે. શિક્ષક આવૃત્તિઓનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે શિક્ષકોને માર્ગદર્શન અને નિદર્શન આપવા માટે શિક્ષક આવૃત્તિ આધારિત તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.
જો કે આ તાલીમને કારણે શિક્ષણ કાર્ય પર અસર પડી રહી છે અને વિદ્યાર્થીઓનું ભણતર બગડી રહ્યું છે તેવી દહેશત સાથે સરકારના આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે. પહેલા દર શનિવારે એકમ કસોટી લેવાતી હતી અને હાલ પરીક્ષા 360 ડિગ્રી શિક્ષણ નીતિ અનુસંધાને ત્રિમાસિક પરીક્ષા 31 ઓગસ્ટ સુધીમાં રાજ્ય સ્તરે પૂરી કરવાની છે. દિવાળી અગાઉ 6 માસિક પરીક્ષા લેવાશે. સપ્ટેમ્બર માસમાં એકમ કસોટી ની પરીક્ષા લેવાશે. 6 માસિક અને વાર્ષિક પરીક્ષા રાબેતા મુજબ ચાલુ રહેશે તેમ પ્રાથમિક શિક્ષક સંઘ કહે છે.
આ અંગે દિગ્વિજયસિંહ જાડેજા, પ્રમુખ - પ્રાથમિક શિક્ષક સંઘ જણાવ્યું હતું કે, દિવાળીનું 21 દિવસનું વેકેશન હોય અને ઉનાળુ વેકેશન હોય એ પહેલા આ તાલીમ યોજાઈ શકે છે. અમુક તાલીમ ઓનલાઇન લઈ શકાય અને સમય બચાવી શકાય જેથી બાળકોના શિક્ષણ પર અસર ન થાય
તો બીજી તરફ અખીલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ નું કહેવું છે કે, સંઘ દ્વારા જીસીઈઆરટી અને શિક્ષણ વિભાગને વર્ષની શરૂઆતમાં જ સુચન કરી અને કહ્યું હતું કે, નવી શિક્ષણ નિતી માટે આયોજન થાય ત્યારે જ્યારે વિદ્યાર્થી વર્ગખંડમાં પૂરી હાજરીમાં આવતા હોય એ સમયે આવી તાલીમ ન ગોઠવવી જોઈએ. સ્લેક ટાઈમ નક્કી કરી તાલીમનું આયોજન વર્ષની શરૂઆતથી જ થવું જોઈએ. શિક્ષકોની જે શાળામાં ઓછી સંખ્યા હોય અને એમાં પણ તાલીમ ગોઠવાય ત્યારે ઓછા શિક્ષકોના સહારે વિદ્યાર્થીઓ ભણતા હોય છે. નવી શિક્ષણ નિતી અનુસાર નવી પદ્ધતિ દાખલ કરવા માટેની તાલીમ મહત્વપુર્ણ હોય છે. તાલીમનું એ રીતે આયોજન થવું જોઈએ જેમાં વિદ્યાર્થી અને શિક્ષણ ગુણવત્તાવાળો સમય શાળામાં વિતાવી શકે.
આ અંગે મિતેશ ભટ્ટ, પ્રાંત અધ્યક્ષ - અખીલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જણાવ્યું હતું કે, GCERT તાલીમ યોજી રહી છે. હાલમાં શાળામાં વિદ્યાર્થીઓને ભણાવવાનો ઉત્તમ સમય છે. આવા સમયમાં તાલીમ ગોઠવી અને શિક્ષકોને તાલીમ માટે ફરજીયાત મોકલવામાં આવે તો શિક્ષણ પર અસર થઈ શકે છે. શિક્ષણ મંત્રી કહી રહ્યા છે કે , રાષ્ટ્રીય શિક્ષણ નિતીના અમલીકરણ માટે આ તાલીમ વર્ગ યોજાઈ રહ્યો છે. અનેક વિદ્વાનોના મત લઈ રાષ્ટ્ર નિર્માણમાં નવી શિક્ષણ નિતી અત્યંત મહત્વની બની રહેશે. તમામ શિક્ષકોની તાલીમ વિદ્વાનો દ્વારા યોજવામાં આવી રહી છે. કોઈ પણ પ્રકારની ક્ષતિ રહી હોવાનું જણાશે તો તાત્કાલિક આ અંગે શિક્ષણ વિભાગનું ધ્યાન દોરી અને સુધારો કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
આ અંગે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા જણાવ્યું હતું કે, આમ તો આ તાલીમ વહેલા કરવાની હતી પણ શિક્ષણ વિભાગની ભરતી, શિક્ષકોની બદલી વગેરેનું પણ ભારણ હતું. તાલીમ પણ અત્યંત જરૂર છે. શિક્ષણ વિભાગમાં શિક્ષણ બગડે નહિ એ હેતુસર તાલીમ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. ક્ષતિ હશે તો ફરી વખત સુધારો કરીશું.
બાળકોમાં ૨૧મી સદીનાં કૌશલ્યો અને ક્ષમતા વિકસાવવા માટે શિક્ષકો અસરકારક અધ્યયન-અધ્યાપનનું કાર્ય કરે તે હેતુથી GCERT દ્વારા વિષયવાર આવૃત્તિઓ તૈયાર કરાઈ છે. આ તાલીમના ઉદ્દઘાટન સત્રમાં વર્ગખંડની પ્રક્રિયામાં બદલાવ લાવવા કટિબદ્ધ બનવા સૂચન કર્યું હતુ. તેમજ શિક્ષકોને જીસીઇઆરટી દ્વારા તૈયાર કરેલી શિક્ષક આવૃત્તિનો મહત્તમ ઉપયોગ કરી વર્ગખંડ પ્રક્રિયાને વધુ ગુણવત્તાલક્ષી બનાવવા પણ અનુરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ અયોગ્ય સમયે યોજાયેલી તાલીમ વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્યને બગાડી શકે છે તે શક્યતા પૂરી છે.