Ambalal Patel Gujarat Weather Forecast: ઉત્તર ગુજરાતમાં 23 થી 26 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ ભારે વરસાદના કારણે ઉત્તર ગુજરાતમાં જળ ભરાવવાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદની પૂરેપૂરી સંભાવના છે.
ખાસ કરીને સૌરાષ્ટ્રના ઉત્તરના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, જામનગર, જૂનાગઢ અને અમરેલીના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહે છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, છેલ્લા દસેક દિવસથી સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે અને મેઘ તાંડવ જોવા મળી રહ્યું છે.
મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ થોડું ઘટશે કારણ કે ચોમાસુ ધરી ધીરે ધીરે ઉત્તર તરફ જઈ રહી છે. જોકે, 27 અને 28 ઓગસ્ટ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદના ઝાપટા પડવાની શક્યતા છે. સાબરકાંઠાના ભાગો, બનાસકાંઠાના ભાગો, સમી-પાટણના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે, અને કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત કચ્છના કેટલાક ભાગમાં પણ ભારે વરસાદના ઝાપટા પડવાની શક્યતા છે.
આગામી દિવસોમાં ચોમાસાની ધરી ઉત્તરવર્તી હોવા છતાં, 27 ઓગસ્ટે ધરી ઉત્તર નીચે થતા ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે.
ગણેશ ચતુર્થી અને પર્યુષણના તહેવારો દરમિયાન પણ કેટલાક ભાગોમાં વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગ અને નિષ્ણાતો કહી રહ્યા છે કે આગામી સમયમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં, જ્યાં હજુ પણ ખૂબ ઓછો વરસાદ નોંધાયો છે, ત્યાં પણ ભારેથી અતિભારે વરસાદ થાય તેવી શક્યતા છે.મઘા નક્ષત્રનું પાણી કૃષિ માટે સારું ગણાય છે.