Gujarat Rain News: રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે ગત 24 કલાક દરમિયાન રાજ્યના 33 જિલ્લાના 212 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જે અંતર્ગત સૌથી વધુ વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં 4 ઇંચ જેટલો અને ધરમપૂર તાલુકામાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત નવસારીના ખેરગામ, વલસાડના કપરાડા તેમજ સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે.
આજે તારીખ 22 ઓગષ્ટ, 2025ના રોજ સવારે 6 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 681.14 મિમી એટલે કે 77.24 ટકા નોંધાયો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 80.51 ટકા, કચ્છ વિસ્તારમાં 80.26 ટકા, સૌરાષ્ટ્રમાં 77.39 ટકા, ઉત્તર ગુજરાતમાં 75.87 ટકા અને સૌથી ઓછો પૂર્વ મધ્ય ગુજરાતમાં 73.40 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતનાં દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને તારીખ 22થી 25 ઓગષ્ટ, 2025 સુધી દરિયો ન ખેડવા ચેતવણી પણ આપવામાં આવી છે.
SEOCના અહેવાલ મુજબ આજે સવારે 8 કલાક સુધીમાં ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ 80.84 ટકા તેમજ અન્ય 206 જળાશયો કુલ સંગ્રહ ક્ષમતાના 75.74 ટકા જેટલા ભરાઈ ગયા છે. આમ, સમગ્ર રાજ્યમાં વરસાદના પગલે 73 ડેમને હાઇ એલર્ટ, 35 ડેમને એલર્ટ અને 16 ડેમ માટે વોર્નિંગ આપવામાં આવી છે.
આ પણ વાંચો
રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન તારીખ 1 જૂન, 2025થી આજ દિન સુધીમાં વરસાદના પગલે વહીવટી તંત્ર દ્વારા 5,205 નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, તેમજ 900 નગરિકોનું રેસ્ક્યૂ કરીને બચાવી લેવામાં આવ્યા છે. વધુમાં, વહીવટી તંત્ર દ્વારા 12 NDRFની ટીમ તેમજ 20 SDRFની ટીમ ડિપ્લોય કરવામાં આવી છે, આ ઉપરાંત 01 NDRFની અને 13 SDRFની ટીમ હેડ ક્વાર્ટર ખાતે રિઝર્વ રાખવામાં આવી છે.