પોર્ટુગલમાં પતિના ત્રાસથી હેરાન થતી ગુજરાતની દીકરી આખરે વતન પરત ફરી, પરિવારજનોએ સરકારનો માન્યો આભાર

પોર્ટુગલમાં પતિ નજરકેદમાં રાખીને પત્નીને પરેશાન કરતો હતો

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Fri 25 Aug 2023 08:22 PM (IST)Updated: Fri 25 Aug 2023 08:23 PM (IST)
gujarat-news-jinal-verma-return-homeland-from-portugal-185006

Gujarat: ગુજરાતની બહેન-દીકરીઓને સુરક્ષિત રાખવા અને તેમને પડતી મુશ્કેલીઓનું ત્વરિત નિરાકરણ લાવવા રાજ્ય સરકાર સતત ચિંતિત છે. પોર્ટુગલ ખાતે રહેતી અને પતિના ત્રાસથી હેરાન થતી ગુજરાતની દીકરીને સહી સલામત રીતે ગુજરાત પરત લવાઈ છે.

હકીકતમાં ગુજરાતના વતની અશોક ચૌહાણે રાજ્યના ગૃહ અને NRG મંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી હતી કે, તેમની દીકરી જીનલ રાહુલકુમાર વર્મા તેના પતિ સાથે પોર્ટુગલમાં વસવાટ કરે છે. જ્યાં પતિ રાહુલ દ્વારા તેમની દીકરી જીનલને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે. આટલું જ નહીં, પતિ દ્વારા જીનલને નજર કેદમાં રાખીને સતત હેરાન કરવામાં આવી રહી છે. આથી મારી દીકરીને સહીસલામત ગુજરાત પરત લાવવામાં આવે.

આ રજૂઆતને ધ્યાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ દીકરીને ત્વરિત ગુજરાત લાવવા કાર્યવાહી કરવા કેન્દ્ર સરકાર સાથે પરામર્શ કરી જરૂરી સહયોગ આપવા વિનંતી કરી હતી. જેના પરિણામે પોર્ટુગલથી ગુજરાતની દીકરીને સહી સલામતરીતે ગુજરાત પરત લાવવામાં સફળતા મળી છે. દીકરીના પરિવારજનોએ કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર માન્યો છે.

અરજદાર દ્વારા જણાવ્યાનુસાર, તેઓની પુત્રીના પાસપોર્ટ સહિતના કાગળો તેણીના પતિ પાસે હોવાથી દીકરીને હેરાન કરવામાં આવતી હતી. આ અંગે અરજદારને ગૃહ રાજ્યમંત્રી દ્વારા રૂબરૂમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળ અરજદારની રજૂઆત બિન નિવાસી ગુજરાતી પ્રભાગની કચેરી દ્વારા પોર્ટુગલ ખાતે આવેલ ભારતની એલચી કચેરીને અને ભારત સરકારના વિદેશ મંત્રાલયને ઘટતી કાર્યવાહી હેતુ ઇમેઇલથી મોકલી આપવામાં આવી હતી અને પોર્ટુગલ ખાતે આવેલ ભારતની એલચી કચેરીના ગત 14 ઓગસ્ટના ઇ-મેઇલથી આ અંગે જરૂરી કાર્યવાહી કરવા હકારાત્મક પ્રત્ત્યુતર મળ્યો હતો.