Gandhinagar News: કૃષિ મંત્રી રાઘવજી પટેલે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ખેડૂતોને પોતાના પાક ઉત્પાદનના પોષણક્ષમ ભાવ પૂરા પાડવાના આશય સાથે પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન હેઠળ વિવિધ જણશીઓની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. ચાલુ સિઝનમાં રાજ્યના મહત્તમ ખેડૂતો ટેકાના ભાવે વેચાણનો લાભ લઇ શકે તે માટે અગાઉથી જ મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકની નોંધણી શરુ કરવામાં આવશે. રાજ્યના તમામ જિલ્લાઓમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનનું ટેકાના ભાવે વેચાણ કરવા માટે ઈચ્છુક ખેડૂત મિત્રો આગામી તારીખ 1 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે.
આ અંગે વિગતવાર માહિતી આપતા કૃષિ મંત્રીએ કહ્યું હતું કે, બજારમાં જે તે જણસીઓના બજારભાવ ટેકાના ભાવ કરતાં નીચા રહે તે સંજોગોમાં ખેડૂતોને આર્થિક રક્ષણ મળી રહે તે માટે ભારત સરકારની પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન અંતર્ગત પીએસએસ હેઠળ વિવિધ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. જે અંતર્ગત ચાલુ સિઝનમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનનું ટેકાના ભાવથી ખરીદવાનું રાજ્ય સરકાર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે, જેથી મહત્તમ ખેડૂતો તેનો લાભ લઇ શકે. એટલા માટે જ, હવેથી ગુજરાતના ખેડૂતો ટેકાના ભાવે પાક વેચાણ માટે વાવેતર બાદ તુરંત જ નોંધણી કરાવી શકશે.
રાજ્યના તમામ ખેડૂતો ખરીફ પાકો એટલે કે, મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદીનો લાભ લઇ શકે તે માટે આગામી તારીખ 1 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર 2025 સુધી ટેકાના ભાવે વેચાણ માટે ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી શરુ કરવામાં આવી રહી છે. ખેડૂત મિત્રો ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે VCE મારફતે વિનામૂલ્યે ઓનલાઇન નોંધણી કરાવી શકશે.
તેમણે કહ્યું હતું કે, ગત વર્ષે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના 8.53 લાખથી વધુ લાભાર્થી ખેડૂતો પાસેથી રૂપિયા 16,223 કરોડથી વધુના મૂલ્યના કુલ 23.47 લાખ મેટ્રિક ટન જથ્થાની ટેકાના ભાવે ઐતિહાસિક ખરીદી કરવામાં આવી હતી. ચાલુ વર્ષે પણ રાજ્યના ખેડૂતો પાસેથી ખરીફ પાકોની પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે. રાજ્યના મહત્તમ ખેડૂતોને ટેકાના ભાવે ખરીદીનો લાભ લેવા માટે નોંધણી કરાવવા મંત્રીએ અનુરોધ કર્યો છે.
અત્રે ઉલ્લખનીય છે કે, રાજ્યમાં પાક વાવેતર શરુ થાય તે પહેલા જ ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે, જેથી ખેડૂતો પાકના લઘુત્તમ ભાવને ધ્યાને રાખીને વિવિધ જણશીઓનું વાવેતર કરી શકે છે. ચાલુ વર્ષે ભારત સરકાર દ્વારા ખરીફ પાક મગફળી માટે રૂપિયા 7,263 પ્રતિ ક્વિન્ટલ (રૂપિયા 1,452 પ્રતિ મણ), મગ માટે રૂપિયા 8,768 પ્રતિ ક્વિન્ટલ (રૂપિયા 1,753 પ્રતિ મણ), અડદ માટે રૂપિયા 7,800 પ્રતિ ક્વિન્ટલ (રૂપિયા 1,560 પ્રતિ મણ) તથા સોયાબીન માટે રૂપિયા 5,328 પ્રતિ ક્વિન્ટલ (રૂપિયા 1,065 પ્રતિ મણ) ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે.