Gandhinagar: છેલ્લા ઘણાં સમયથી ગુજરાતમાં કાયદાકીય રીતે પુખ્ત ઉમરની હોય, પરંતુ સામાજિક દ્રષ્ટીએ અપરિપક્વ ઉંમરની દીકરીઓ ભાગી જવાના /ભગાડી જવાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે.કોઇપણ પરિવારની માસૂમ દીકરીને લલચાવીને કે ભોળવીને ભગાડીને લઇ જવાથી માત્ર દીકરીના પરિવાર કે તેની જ્ઞાતિને જ તકલીફ નથી પડતી, પરંતુ સમાજમાં બીજા અનેક નવા પ્રશ્નો ઉભા થાય છે. એવામાં વિસાવદરના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાએ મુખ્યમંત્રીને પત્ર લખીને લગ્નના કાયદામાં કેટલાક સુધારા કરવાનું સૂચન કર્યું છે.
પોતાની રજૂઆતમાં આપના ધારાસભ્યએ જણાવ્યું છે કે, મોટાભાગના કિસ્સાઓમાં શાળામાં ભણતી દીકરીઓને ટાર્ગેટ કરીને તેમને પ્રેમજાળમાં ફસાવવામાં આવે છે. તેમની મુગ્થ ઉંમર અને કાચી સમજણનો ગેરલાભ લેવામાં આવે છે.
જે બાદ છોકરીની ઉંમર 18 વર્ષ પૂર્ણ થાય તેની રાહ જોવામાં આવે છે. છોકરી 18 વર્ષની થાય, તેના થોડા દિવસોમાં જ તેને ભગાડવામાં આવે છે. જે બાદ પોતાના વતનથી દૂરના જિલ્લાના કોઈ આંતરિયાળ ગામમાં જઈને કોઈ પણ પ્રકારના ડૉક્યુમેન્ટ વિના પૈસા લઈને લગ્નની નોંધણી કરી આપવામાં આવે છે. આ માટે એક આખુ ષડયંત્ર ચાલી રહ્યું છે.
વધુમાં ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું કે, 18 આસપાસની વયે કાચી સમજણના આધારે ભાગીને લગ્ન કરનાર દીકરીનું ભણતર બગચે છે અને તે સ્વનિર્ભર બની શકતી નથી. ભાગીને લગ્ન કરનાર દીકરીને માતા-પિતાની મિલ્કતમાંથી ભાગ મેળવવા અંગે કોઈ કાયદાકીય સ્પષ્ટતા ના હોવાથી તેને કોર્ટ-કચેરીના ધક્કા ખાવાનો વારો આવે છે.
અપરિપક્વતા અને કાચી સમજણનાં કારણે કરેલા પ્રેમ લગ્ન જ્યારે ભાંગી પડે છે ત્યારે છૂટાછેડાનો પ્રશ્ન અત્યંત જટિલ બને છે. કોઈ કિસ્સામાં છોકરીને સરળતાથી છૂટાછેડા મળતા નથી તો કોઈ કિસ્સામાં છોકરાને સરળતાથી છૂટાછેડા મળતા નથી.
ઘણીવખત છોકરી દ્વારા પોતાના માં-બાપ વિરુદ્ધ ખોટી ફરિયાદ કરવામાં આવે છે જેના કારણે માતા-પિતાએ હેરાન થવું પડે છે તો ઘણીવખત છોકરાના માતાપિતા સામે ફરિયાદ થાય છે ત્યારે પરિવારના સભ્યોએ પોલીસ કાર્યવાહીનો સામનો કરવો પડે છે. લગ્ન અનેક પ્રકારની જવાબદારીઓ સાથે જોડાયેલી સામાજિક વ્યવસ્થા છે. એવામાં આવી રીતે છેતરપિંડીથી થયેલા લગ્ન સમાજમાં અનેક નવી સમસ્યા સર્જે છે.
આથી આજના સમય પ્રમાણે માતા-પિતા પોતાની દીકરીના લગ્ન 21-22 વર્ષની આસપાસ કરી રહ્યા છે. એવામાં સરકારે પણ કાયદામાં ફેરફાર કરીને દીકરીના લગ્નની ઉંમર વધારીને 21 વર્ષ કરવી જોઈએ.
આવી જ રીતે કોઈ અંતરિયાળ ગામમાં લગ્નની નોંધણી કરાવવાની જગ્યાએ સરકારે કાયદામાં ફેરફાર કરીને છોકરીનું કાયમી રહેઠાણ, જ્યાં હોય ત્યાં ફરજિયાત નોંધણી કરાવવી જોઈએ.