Gandhinagar News: ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથ યોજના એટલે કે 'અવસર' યોજના શરૂ કરવામાં આવશે. 60 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓને ઘર બેઠા આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવશે. વડીલોને પોતાના ઘરથી નજીકના અર્બન હેલ્થ સેન્ટર કે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં આધાર કાર્ડની એક ઝેરોક્ષ સાથે રાખીને ફોર્મ ભરીને નોંધણી કરાવી શકશે. આગામી અઠવાડિયામાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયરશ્રી રથનું લોકાર્પણ કરશે.
મેયર મીરાબેન પટેલએ વડીલોની ચિંતા કરીને આરોગ્યલક્ષી સુવિધામાં વધારો કરતા જણાવ્યું હતું કે ગાંધીનગર મહાનગરપાલિકા નગરજનોની તમામ પ્રાથમિક સુવિધાઓ સાથે સુખાકારીમાં વધારો કરવા માટે સતત કાર્યરત છે, ત્યારે આરોગ્યલક્ષી સુવિધામાં વધારો કરતા ગાંધીનગર મહાનગરપાલિકા અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથ યોજના એટલે કે અવસર યોજનાને કાર્યરત કરવા જઈ રહી છે.
આ યોજના અંતર્ગત આરોગ્ય રથમાં એક મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ અને હેલ્પર રહેશે. જેઓ અર્બન હેલ્થ સેન્ટર કે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે નોંધાયેલા લાભાર્થીઓના ઘરે મહિનામાં એકવાર આરોગ્યલક્ષી તપાસવા માટે મુલાકાત લેશે, આ મુલાકાત દરમિયાન તેઓના બ્લડપ્રેશર, ડાયાબિટીસ, ઓક્સિજન લેવલ તેમજ અન્ય જરૂરી તપાસ કરીને પ્રાથમિક સારવાર આપશે. જો વધારે સારવારની જરૂર જણાય તો નજીકના હેલ્થ સેન્ટરમાં અથવા સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવશે. હાલના સમયમાં પાંચ આરોગ્ય રથ દ્વારા સેવાઓ આપવામાં આવશે ભવિષ્યમાં જરૂર જણાશે તો તેમાં વધારો પણ કરવામાં આવશે.
આ રથની સેવા અંતર્ગત તારીખ 13 ડિસેમ્બર 2024 શુક્રવારથી ફોર્મ ભરીને નોંધણી પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. જેથી 60 વર્ષથી ઉપરના તમામ વડીલોને પોતાના નજીકના અર્બન હેલ્થ સેન્ટર કે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં આધાર કાર્ડની એક ઝેરોક્ષ સાથે રાખીને ફોર્મ ભરીને નોંધણી કરાવી શકશે.