Devbhumi Dwarka: લાંબા વિરામ બાદ ગુજરાતમાં ફરીથી મેઘાવી માહોલ જામ્યો છે. એકસાથે 4 સિસ્ટમ સક્રિય થતાં મેઘરાજા સૌરાષ્ટ્રને ઘમરોળી રહ્યા છે, ત્યારે આજે બપોરે 2 થી 4 વાગ્યા દરમિયાન માત્ર બે કલાકમાં જ પાંચ ઇંચ જેટલો ભારે વરસાદ વરસતા દ્વારકા શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. શહેરના મુખ્ય માર્ગો પર જાણે પાણીની નદીઓ વહેવા લાગી હતી, જેના કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું.
કમર સુધી પાણી ભરાયા, જનજીવન ખોરવાયું
દર વખતની જેમ ભદ્રકાળી ચોક વિસ્તારમાં કમર સુધીના પાણી ભરાયા હતા. થોડા જ વરસાદમાં શહેરના રસ્તાઓ પાણી પાણી થઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

શહેરના તીન બત્તી ચોકથી રબારી ગેટ સુધીનો માર્ગ બેટમાં ફેરવાઈ ગયો હતો. આ વિસ્તારમાં આવેલી અનેક બેંકો, રેસ્ટોરન્ટો અને હોટલો પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. ભારે વરસાદ અને જળભરાવને કારણે યાત્રિકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. કમર સુધીના પાણીમાં ચાલીને જવું લોકો માટે મજબૂરી બની ગયું હતું. આ પરિસ્થિતિને કારણે હોટલ સંચાલકો પણ ચિંતિત બન્યા છે.
આટલા ઓછા સમયમાં આટલો વરસાદ પડવાથી શહેરમાં પાણી ભરાવું એ સ્થાનિક તંત્રની પાણીના નિકાલની વ્યવસ્થામાં નિષ્ફળતા દર્શાવે છે. જોકે, હજુ પણ વરસાદ ચાલુ રહે તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે.