Gujarat Rain Data | Devbhumi Dwarka: ગુજરાતમાં વરસાદ લાવે તેવી એકસાથે ચાર સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા આગામી 22 ઓગસ્ટ સુધી રાજ્યના અલગ-અલગ ભાગોમાં વરસાદના તોફાની રાઉન્ડની ચેતવણી આપવામાં આવી છે. જેના પગલે છેલ્લા ત્રણેક દિવસથી ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં મેઘમહેર વરસી રહી છે, ત્યારે આજે પણ વહેલી સવારથી રાજ્યના 53 જેટલા તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.
જો દ્વારકા પંથકની વાત કરીએ તો અહીં જન્માષ્ટમીના વધામણા કર્યાં હોય, તેમ મેઘરાજાએ લાંબા વિરામ બાદ હેત વરસાવ્યું હતુ. ત્રણેક દિવસથી હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડ્યા બાદ આજે જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે.
આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના તાલુકાઓમાં નોંધાયેલા વરસાદની વિગતો જોઈએ તો, દ્વારકા તાલુકામાં સૌથી વધુ 120 મિ.મી (5.3 ઈંચ) વરસાદ વરસ્યો છે. ખાસ વાત એ છે કે, 120 મિ.મી (4.7 ઈંચ) વરસાદ તો બપોરે 2 થી 4 વાગ્યા સુધીના છેલ્લા 2 કલાકના સમયગાળામાં જ ખાબક્યો છે.આ સિવાય કલ્યાણપુરમાં 127 મિ.મી (5 ઈંચ), ખંભાળિયામાં 19 મિ.મી અને ભાણવડમાં 16 મિ.મી વરસાદ નોંધાયો છે.
9 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ
આજે આખા દિવસ દરમિયાન 9 તાલુકામાં 1 ઈંચથી વધુ અને 4 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં જૂનાગઢના માંગરોળમાં 95 મિ.મી (3.7 ઈંચ), વલસાડના ઉમરગામમાં 64 મિ.મી (2.5 ઈંચ), કચ્છના માંડવીમાં 43 મિ.મી (1.6 ઈંચ), નખત્રાણામાં 31 મિ.મી (1.2 ઈંચ), જૂનાગઢના માળિયા હાટીનામાં 39 મિ.મી (1.5 ઈંચ) વરસાદ વરસ્યો છે.
વીતેલા 2 કલાકમાં રાજ્યના 27 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી દ્વારકામાં 120 મિ.મી, કચ્છના માંડવીમાં 41 મિ.મી, જામજોધપુરમાં 36 મિ.મી, કચ્છના નખત્રાણામાં 25 મિ.મી વરસાદ પડ્યો છે.