Dahod: દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ કતવારા પોલીસ સ્ટેશન હદમાં આવેલી ખંગેલા ચેકપોસ્ટ પર વિશાળ દારૂ કાંડનો પર્દાફાશ કર્યો છે.
હકીકતમાં LCBને ગુપ્ત બાતમી મળી હતી કે, સફેદ રંગનું 20 ટાયરવાળું ટાટા સિગ્ના ટેન્કર મધ્ય પ્રદેશ પીટોલથી ગુજરાત તરફ વિદેશી દારૂનો જથ્થો લઈ જઈ રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે ચોક્કસ નાકાબંધી ગોઠવી કાર્યવાહી હાથ ધરી હતી.
ચેકિંગ દરમ્યાન પોલીસે ટેન્કરની અંદર 871 પેટીમાં ભરેલી કુલ 16,236 બોટલ વિદેશી દારૂ મળી આવી હતી. જેની બજાર કિંમત અંદાજે રૂ. 1.16 કરોડ થાય છે. આ ઉપરાંત રૂ. 50 લાખની કિંમતનું ટેન્કર અને બે મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 1.67 કરોડનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.
આ કામગીરી દરમ્યાન પોલીસે રાજસ્થાનના બાડમેર જિલ્લાના બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓમાં ટેન્કર ડ્રાઇવર ગણેશ પોકરરામ તથા ક્લીનર ભુરારામજી નાથુરામનો સમાવેશ થાય છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ દારૂનો જથ્થો ગુજરાતમાં ગેરકાયદે વેચાણ માટે લાવવામાં આવી રહ્યો હતો.
હાલ પોલીસે તપાસ શરૂ કરી છે કે આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, તેની પાછળના મુખ્ય સૂત્રધાર કોણ છે અને ગુજરાતમાં તે ક્યાં પહોંચાડવાનો હતો.