Dahod: દાહોદ જિલ્લાના ખંગેલા ચેકપોસ્ટ પર કતવારા પોલીસે દારૂની મોટી હેરાફેરીનો પર્દાફાશ કરી શરાબ માફિયાઓની દારૂની હેરાફેરી માટે અપનાવવામાં આવેલ નવી ટેકિનકને કતવારા પોલીસે નિષ્ફળ બનાવી વિદેશી દારૂના જથ્થા સાથે રૂ.1 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરી ટ્રક ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કતવારા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર યુ.એસ.ગાવીત ને બાતમી મળી હતી કે, ઈન્દોરના દારૂના ઠેકા પરથી આઇસર ટેમ્પામાં અલગ અલગ બ્રાન્ડના વિદેશી દારૂ તથા બીયરનો વિપુલ જથ્થો ભરાવી અમદાવાદ અસલાલીના મહેશભાઈ નામના બુટલેગરને ત્યાં પહોંચાડવા ઈન્દોરથી વાયા દાહોદ થઈ અમદાવાદ જવા આઇસર નીકળેલ છે. આ આઇસર ખંગેલા ચેકપોસ્ટ પર થી નીકળવાની છે.
આ બાતમીના આધારે કતવારા પોલીસ મથકની ટીમે ખંગેલા ચેકપોસ્ટ પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમી આધારિત આઈસર ટેમ્પો આવતા તેને કોર્ડન કરી ઉભી રખાવી ચાલકને સાથે રાખી ટેમ્પાના પાછળના ભાગે તપાસ કરતા દવાની પેટીઓ મળી આવી હતી. જયારે પોલીસે આ દવાની પેટીઓ હટાવી તપાસ કરતા પોલીસ પણ ચોકી ઉઠી હતી.
ટેમ્પામાં દવાની આડમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દવાની આડમાં છુપાવેલ વિવિધ બ્રાન્ડની 7,176 બોટલો તથા કિંગફિશર બીયરની 70 પેટીઓ મળી કુલ રૂ. 22.84 લાખનો દારૂ સહીત ₹1.00 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરી ટ્રક ચાલક અનિલ મીણાની ધરપકડ કરી હતી.
પોલીસની પુછપરછ દરમિયાન આઇસર ચાલક અનિલ મીણા એ કબૂલાત કરી હતી કે, આઇસર ગાડીમાં ઇન્દોરથી વિદેશ દારૂ તથા બિયરનો જથ્થો ઈન્દોરના અનિલભાઈ નાક એ ભરી આપ્યો હતો અને આ દારૂનો જથ્થો અમદાવાદના અસલાલીના મહેશભાઈ નામના બુટલેગરે મગાવ્યો હતો. જે અસલાલી આપવાનો હતો. ક્તવારા પોલીસે આઇસર ચાલક અનિલ મીણા, ઈન્દોરના અનિલભાઈ નાક અને અમદાવાદના અસલાલીના મહેશભાઈ વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.