Dahod: દાહોદ જિલ્લાના કઠલા ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં એક પિતાએ પોતાના બે સંતાનો સાથે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. સામુહિક આપઘાતના બનાવના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, દાહોદ જિલ્લાના ખંગેલા ગામમાં રહેતા અરવિંદ હિમલાભાઈ વહોનિયા (35) મજૂરી કરીને ત્રણ સંતાનો સહિતના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. થોડા દિવસ અગાઉ અરવિંદ અન્ય જિલ્લામાંથી એક દીકરી અને બે દીકરા સાથે વતન પરત ફર્યો હતો.
હવે ઉત્તર ગુજરાત પર મેઘરાજાએ હેત વરસાવ્યુંઃ 2 કલાકમાં તલોદમાં ગાજવીજ સાથે દોઢ, ધનસુરામાં સવા ઈંચ વરસાદ તૂટી પડ્યો
અરવિંદ પોતાના સંતાનો સાથે મધ્ય પ્રદેશના માંડલીમાં રહેતી બહેનને મળવા ગયો હતો. જ્યાં બહેન પાસેથી 500 રૂપિયા ઉછીના લઈને તે ખંગેલા પરત આવવા નીકળ્યો હતો. જો કે ઘરે ના પહોંચતા પરિવારજનો ચિંતિત બન્યા હતા અને શોધખોળ હાથ ધરી હતી.
આ દરમિયાન આજે સવારે કઠલા ગામના છાયણ ફળિયામાં આવેલા ખેતરમાં એક ઝાડ સાથે અરવિંદ અને તેના બે દીકરા રવિ (8) અને સુરેશ (6) ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકતા મળી આવ્યા હતા. જ્યારે ઝાડને ટેકવીને તેનું બાઈક પણ પડ્યું હતુ.
આ બાબતની જાણ થતાં કતવારા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ત્રણેય મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે કતવારા CHC મોકલી તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં ઘરકંકાશના કારણે અંતિમ પગલું ભર્યું હોવાનું અનુમાન છે. બીજી તરફ મૃતકના ભાઈએ જણાવ્યું કે, ગઈકાલે અરવિંદ બહેનના ઘરે પહોંચ્યો હતો. જ્યાંથી આજે પરત ફર્યો, ત્યારે તેની સાથે વાત થઈ હતી. જેમાં તેણે બહેન પાસેથી 500 રૂપિયા ઉછીના લીધા હોવાનું જણાવ્યું હતુ.
જ્યારે દાહોદ DySp જગદીશ ભંડારીએ જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં પિતાએ બે સંતાનોને મારીને આત્મહત્યા કરી હોવાનું લાગી રહ્યું છે. જો કે પોલીસ દ્વારા પરિવારજનોના નિવેદન નોંધવા સહિત તમામ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.