Dahod: દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના રુપાખેડા ગામે ગઈકાલે સવારે સાડા 10 વાગ્યાના અરસામાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં એક યુવકે પાવડાના આડેધડ ફટકા ઝીંકીને તેની પત્નીની હત્યા કરી નાંખી છે. જ્યારે 3 લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, રુપાખેડા ગામના ગણેશ વાદી (32)ના લગ્ન આજથી 12 વર્ષ અગાઉ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના ભડવેલ ગામની કોકીલા સાથે થયા હતા. આ લગ્નજીવન થકી બન્નેને 4 સંતાનો છે.
ગઈકાલે સવારે સામાન્ય બાબતે પતિ-પત્ની વચ્ચે તકરાર થઈ હતી. જેમાં ગણેશે 'તું ખાવાનું કેમ નથી બનાવતી?' કહી પત્નીને ગાળો ભાંડીને ઝઘડો કર્યો હતો. આ દરમિયાન ગણેશની માતા રમિલાબેન વચ્ચે પડ્યા હતા. આથી ઉશ્કેરાયેલા ગણેશે ઘરમાંથી પાવડો લઈને પત્ની કોકિલાના માથા, ગળા અને શરીરના ભાગે આડેધડ ઘા ઝીંકી દીધા હતા. જેના કારણે કોકીલાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ.
બીજી તરફ વચ્ચે બચાવવા પડેલ ગણેશની માતા રમિલાબેન, સંજયભાઈ વાદી, પર્વતભાઈ વાદી અને પાડોશમાં રહેતી પૂજાબેન પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. આથી તમામ ઈજાગ્રસ્તોને 108ની મદદથી સુખસર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી પૂજાની હાલત ગંભીર હોવાથી તેને લુણાવાડાની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવી છે.
આ મામલે મૃતક કોકીલાના ભાઈ લક્ષ્મણ વાદીની ફરિયાદના આધારે સુખસર પોલીસે ગુનો નોંધીને હત્યારા ગણેશ વાદીની ધરપકડ કરીને જેલમાં ધકેલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.