Kutch: ગઈકાલે સાંજના સમયે મુન્દ્રામાં એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં શહેરના જૂના બંદર રોડ પર આવેલા મંદિરની બહાર રોડની સાઈડમાં ઉભા રહીને દર્શન કરી રહેલા એક વૃદ્ધને ત્યાંથી પસાર થઈ રહેલ હાઈડ્રા ક્રેને કચડી નાંખ્યા હતા. આ અકસ્માતના ધ્રુજાવી દે તેવા દ્રશ્યો CCTVમાં કેદ થઈ ગયા છે.
CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે, મુન્દ્રાના જૂના બંદર રોડ ઉપર આવેલ રોકડિયા હનુમાન મંદિર નજીક રસ્તાની સાઈડમાં ઉભા રહીને એક વૃદ્ધ બે હાથ જોડીને દર્શન કરી રહ્યા છે. આ સમયે જ પાછળથી પુરપાટ આવતા હાઈડ્રા ક્રેન વૃદ્ધને ઠોકરે ચડાવે છે. જેના કારણે વૃદ્ધ નીચે પટકાય છે, તો પણ ક્રેનનો ચાલક પોતાનું વાહન ઉભુ રાખ્યા વિના ભગાવી મૂકે છે. જેમાં ક્રેનના તોતિંગ ટાયર વૃદ્ધના માથા પરથી ફરી વળે છે.
આ અકસ્માતમાં વૃદ્ધનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ. અકસ્માત બાદ રસ્તા પરથી પસાર થતી અન્ય એક કારે ક્રેનનો પીછો કર્યો હતો. જો કે ક્રેન ચાલક આગળ જઈને પોતાનું વાહન મૂકીને ભાગી છૂટ્યો હતો.
આ અકસ્માતમાં મૃતકની ઓળખ ઉમેલભાઈ માલમ (55) તરીકે થઈ છે. બીજી તરફ આ અકસ્માત બાદ સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને તેમણે ચક્કાજામ કરીને તંત્ર સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. રોષે ભરાયેલા સ્થાનિકોએ નગરમાંથી પસાર થતાં મોટા વાહનો તેમજ નિયમ ભંગ કરતાં વાહનો પર કડક કાર્યવાહીની માંગ કરી છે.
Kutch: મુન્દ્રામાં રસ્તાની સાઈડમાં ઉભા રહીને દર્શન કરી રહેલા વૃદ્ધને હાઈડ્રા ક્રેને કચડી નાંખ્યા, અકસ્માતના ધ્રુજાવી દે તેવા દ્રશ્ય CCTVમાં કેદ pic.twitter.com/L9o9O8uQAE
— Gujarati Jagran (@gujaratijagran) July 31, 2025
હાલ તો પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા ક્રેનના ડ્રાઈવરની શોધખોળ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.