Narmada: ગુજરાત પ્રવાસ દરમિયાન જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ હેલિકોપ્ટરથી વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આકાશી ઝલક નિહાળી હતી. જ્યારે ઓમર અબ્દુલ્લા એકતાનગર હેલિપેડ પર પહોંચ્યા, ત્યારે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ તેઓ સર્કિટ હાઉસ પહોંચ્યા હતા, જ્યાં તેમણે બપોરનું ભોજન લીધું હતું.
ભોજન બાદ ઓમર અબ્દુલ્લા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં પહોંચ્યા હતા અને સરદાર વલ્લભભાઈ પટેલની આ ભવ્ય પ્રતિમાને નજીકથી નિહાળી. પરિસરમાં આવેલી વિવિધ ગેલેરીઓમાં જઈને તેમણે પ્રદર્શન, પ્રોજેક્ટ અંગેની માહિતી અને વિકાસ કાર્યો વિશે વિગતવાર જાણકારી મેળવી હતી. આ પ્રવાસ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા કડક રાખવામાં આવી હતી અને સ્થાનિક અધિકારીઓ દ્વારા તેમને સમગ્ર પરિસરની માહિતી આપવામાં આવી હતી.
આ પણ વાંચો
ઓમર અબ્દુલ્લાએ નર્મદા ડેમની મુલાકાત લીધી હતી. હાલ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હોવાથી નર્મદા નદીનો અદ્દભૂત નજારો જોવા મળ્યો હતો. ઓમર અબ્દુલ્લાએ આ દૃશ્યોને ખૂબ વખાણ્યા અને ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યોની પ્રશંસા કરી હતી.

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ જણાવ્યું કે, સરદાર સરોવર ડેમ જેવી યોજના જો જમ્મુ-કાશ્મીરમાં બને, તો ત્યાં હરિયાળી ફેલાઈ શકે છે. અત્યાર સુધી જમ્મુ-કાશ્મીર પાણી રોકવાની પરવાનગી નહોતી, પરંતુ હવે મોટા પ્રોજેક્ટ્સ મળવાની શક્યતા વધી છે.
તેમણે સરદાર પટેલની પ્રતિમાને 'નવા ભારતની શરૂઆત' ગણાવી અને નર્મદા ડેમથી કચ્છ જેવા સૂકા પ્રદેશોમાં ખેતી શક્ય બની હોવાની પ્રશંસા કરી. ઓમર અબ્દુલ્લાએ નર્મદા ડેમની મુલાકાતને યાદગાર ગણાવી અને ગુજરાતના વિકાસ કાર્યોની પ્રશંસા કરી હતી.
