ભાવનગર ડમીકાંડમાં તોડ મામલો: કોર્ટે યુવરાજસિંહ જાડેજાના વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sat 29 Apr 2023 05:26 PM (IST)Updated: Sat 29 Apr 2023 06:06 PM (IST)
dummy-candidate-scam-yuvrajsinh-jadeja-2-days-further-remand-by-court-in-extortion-case-122642

ભાવનગર.
ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહની ડમી કાંડમાં તોડ મામલે ભાવનગર પોલીસે ધરપકડ કરી હતી. જે બાદ યુવરાજસિંહના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. આજે રિમાન્ડની મુદ્દત પૂરી થતાં આ કેસની તપાસ કરી રહેલી SIT દ્વારા ફર્ધર રિમાન્ડની માંગ સાથે યુવરાજસિંહ જાડેજાને કોર્ટમાં રજૂ કરવામાં આવતા, કોર્ટે વધુ 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે.

1 કરોડની ખંડણી સામે અત્યાર સુધીની તપાસ દરમિયાન પોલીસે 73.50 લાખ રૂપિયા રિકવર કર્યાં છે. જ્યારે અન્ય રકમ રિકવર કરવાની બાકી હોવાથી પોલીસે વધુ 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જો કે કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે આરોપી બિપિન ત્રિવેદી અને ઘનશ્યામ લાધવાને કોર્ટે જેલમાં ધકેલવાનો હુકમ કર્યો છે.

ભાવનગર પોલીસે 21 એપ્રિલે મોડી રાતે વ્હિસલ બ્લોઅર અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરી હતી. યુવરાજસિંહ જાડેજા પર ડમી કાંડના આરોપીઓ પાસેથી 1 કરોડની ખંડણી વસૂલવાનો આરોપ છે. પોલીસે યુવરાજસિંહ જાડેજા અને તેના સાળા કનુભા ગોહિલ, શિવુભા, ઘનશ્યામભાઈ, બિપિન ત્રિવેદી અને રાજુ નામના આરોપી વિરુદ્ધ IPCની કલમ 386, 388 અને 120-બી હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

આ મામલે યુવરાજસિંહને ગત 22 એપ્રિલે કોર્ટમાં રજૂ કરતા 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. આ રિમાન્ડ દરમિયાન યુવરાજસિંહના બન્ને સાળાઓ, કે જેઓ પણ આ ગુનામાં સંડોવાયેલા છે, તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી. આટલું જ નહીં, તેમની પાસેથી ખંડણીમાં ઉઘરાવેલી રકમ પણ રિકવર કરવામાં આવી છે.