Vadodara News: વડોદરા શહેરના રાજમહેલ રોડ પર આવેલા તંબોળી પોળ યુવક મંડળે આ વર્ષે ગણેશોત્સવ માટે અદભુત ડેકોરેશન તૈયાર કર્યું છે. 'ઓપરેશન સિંદૂર સન્માન યાત્રા' થીમ પર આધારિત આ ડેકોરેશન પ્રોફેશનલને પણ ટક્કર મારે તેવું છે. પંડાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડોદરામાં યોજાયેલા ઓપરેશન સિંદૂર યાત્રા અને રોડ શોના દૃશ્યોનું આબેહૂબ નિર્માણ કરવામાં આવ્યું છે.
ડેકોરેશનમાં જૂના એરપોર્ટથી લઈને એરફોર્સ સ્ટેશન સુધીના રોડ શોના તમામ દૃશ્યો પુનઃસર્જિત કરવામાં આવ્યા છે. વડાપ્રધાનની ગાડી, મીડિયાની ગાડીઓ, સ્ટેજ તથા સેનાદળોના પ્રદર્શન સાથે મિસાઇલોના મોડેલો પણ અહીં બનાવવામાં આવ્યા છે. આ બધું જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. ઘણા લોકોનું કહેવું છે કે, ઓપરેશન સિંદૂર દરમિયાન ભીડને કારણે તેઓ સ્થળ પર જઈ શક્યા નહોતા, પરંતુ આ ડેકોરેશન જોઈ તેમને જીવંત અનુભવ થયો છે.

આ થીમ તૈયાર કરવા માટે યુવક મંડળે લગભગ બે-અઢી મહિનાની સખત મહેનત કરી છે. સભ્ય ભાવિકભાઈ તંબોળીએ જણાવ્યું કે, અમે એરપોર્ટની મુલાકાત લીધી, ફોટોગ્રાફ્સ લીધા અને સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું. ત્યારબાદ પેપર, થર્મોકોલ, કલર્સ, ક્લે જેવી સામગ્રીનો ઉપયોગ કરીને આ ડેકોરેશન તૈયાર કર્યું છે. પંડાલમાં સ્વદેશી વસ્તુઓ અપનાવવાનો સંદેશ પણ આપવામાં આવ્યો છે. બોર્ડ પર લખાયું છે હાથ જોડીને વિનંતી, આ પણ એક રાષ્ટ્રભક્તિ છે. બોર્ડર પર ના જઈ શકીએ, પણ સ્વદેશી અપનાવી શકીએ.

સ્થાનિક કોર્પોરેટર જાગૃતિબેન કાકાએ જણાવ્યું કે, આ ડેકોરેશન રાજ્યમાં અનોખું છે. રાજ્ય સરકારે પણ આવા થીમ આધારિત પંડાલ માટે 5 લાખ, 3 લાખ અને 1.5 લાખના ઇનામોની જાહેરાત કરી છે. તંબોળી પોળના યુવકો રાત્રે મોડા સુધી કામ કરી આ ડેકોરેશન તૈયાર કર્યું છે. કોઈ વ્યાવસાયિક આર્ટિસ્ટ નહીં, પરંતુ સ્થાનિક યુવકોની મહેનતનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ અદભુત ડેકોરેશન જોવા લોકો દૂર દૂરથી આવી રહ્યા છે અને સૌ કોઈ તંબોળી પોળના યુવકોની ક્રિએટિવિટી અને દેશભક્તિથી પ્રેરિત થઈ રહ્યા છે.