Ankleshwar News: અંકલેશ્વર પંથકમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે ગઈકાલે સાંજે નર્મદા નદીના કિનારે એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના પ્રકાશમાં આવી છે. માછીમારી કરી રહેલા ત્રણ યુવાનો પર અચાનક વીજળી પડી હતી, જેના કારણે એકનું મોત નિપજ્યું અને બે યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
વીજ કરંટ લાગવાથી મોત થયું
આ ઘટનામાં નવા દીવા ગામના પટેલ ફળિયામાં રહેતા 20 વર્ષીય દેવ સુંદર વસાવાનું ઘટનાસ્થળે જ કરુણ મરણ થયું હતું. દેવ સાથે નટવર ભાયલાલ વસાવા અને નટવર અભેસિંહ વસાવા પણ હાજર હતા. વીજળી પડતા બંને યુવાનો ગંભીર રીતે દાઝી ગયા હતા અને હાલમાં તેમની સારવાર અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે.
પાણીમાં ડુબી જવાથી મોત થયું
ગડખોલ ગામના મહેન્દ્રનગર વિસ્તારમાં કરુણ ઘટના સામે આવી છે. ઉત્તર ભારતીયોના છઠ પૂજા માટે બનાવાયેલા જળકુંડમાં બે બાળકો પડી જતાં એકનું મોત થયું છે. વરસાદી માહોલને કારણે કુંડમાં પાણી ભરાયેલું હતું, જેના કારણે આ દુર્ઘટના બની હતી.
ઘટનાની માહિતી મળતા જ બી ડિવિઝન પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો અને અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, કુંડ આસપાસ કોઈ સુરક્ષાત્મક વ્યવસ્થા ન હોવાથી આ દુર્ઘટના બની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.