Bharuch News: અંકલેશ્વર તાલુકાના માટીએડ ગામમાં કોરોનાથી એક વૃદ્ધનું મોત થયું છે. 60 વર્ષીય નરેશ પ્રજાપતિને 12મી ઓગસ્ટે કોરોના જેવા લક્ષણો જણાતા જયાબેન મોદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તપાસમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સારવાર દરમ્યાન તેમની તબિયત વધારે બગડી જતા 17મી ઓગસ્ટે તેમનું મોત નીપજ્યું હતું.
કોરોનાથી મૃત્યુ પામેલા નરેશભાઈનો મૃતદેહ નર્મદા નદી કિનારે આવેલા સ્પેશિયલ કોવિડ સ્મશાનમાં લઈ જવામાં આવ્યો હતો. સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને તેમની ટીમે કોરોના પ્રોટોકોલ મુજબ અંતિમ સંસ્કાર કરાવ્યા. કોરોના કાળમાં જે રીતે ખાસ વ્યવસ્થા હેઠળ દાહ સંસ્કાર કરવામાં આવતા હતા, એ જ રીતે તમામ નિયમોનું પાલન કરીને આ અંતિમવિધિ પૂર્ણ કરવામાં આવી હતી.
આ ઘટનામાં સૌથી ચિંતાની વાત એ છે કે, મૃતક વૃદ્ધે કોરોનાની રસીના જરૂરી બે બુસ્ટર ડોઝ લીધા નહોતા. આરોગ્યવિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે રસીકરણ પૂર્ણ ન કરનાર લોકો માટે કોરોના ગંભીર સાબિત થઈ શકે છે. તે કારણે દરેક નાગરિકે સમયસર રસીના તમામ ડોઝ લેવાં અત્યંત આવશ્યક છે.
આકસ્મિક મૃત્યુથી માટીએડ ગામ સહિત આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. સ્થાનિક આરોગ્ય વિભાગે ફરી એકવાર લોકોને સાવચેત રહેવા, રસીકરણ પૂર્ણ કરવા અને માસ્ક, સેનિટાઈઝર તથા સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા કોવિડના મૂળભૂત નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે. કોરોના હજી પૂર્ણરૂપે ગયો નથી, એ હકીકત ફરી એકવાર સ્પષ્ટ થઈ છે.