Bharuch: ઝઘડિયાના સરસાડ ગામમાં ACBની સફળ ટ્રેપ, સરકારી સ્કૂલના ઈન્ચાર્જ પ્રિન્સિપાલ લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

શાળા પરિવહનની યોજના હેઠળ મારુતિ વાન ફેરવવાની મંજૂરી માટે દર મહિને 3 હજાર રૂપિયાનું કમિશન માંગ્યું હતુ. જે અંતર્ગત અત્યાર સુધીની 31 હજાર રૂપિયાની લાંચ માંગી

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Wed 13 Aug 2025 07:02 PM (IST)Updated: Wed 13 Aug 2025 07:02 PM (IST)
bharuch-news-acb-trap-in-sarsad-government-village-incharge-principal-caught-while-taking-bribe-584741
HIGHLIGHTS
  • ભ્રષ્ટાચાર સામેની કામગીરી ભવિષ્યમાં અન્ય કર્મચારીઓ માટે ચેતવણીરૂપ

Bharuch: ભરૂચ એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ ઝઘડિયા તાલુકાના સરસાડ ગામની સરકારી માધ્યમિક શાળાના ઇન્ચાર્જ આચાર્ય કલ્પેશકુમાર બચુભાઈ પટેલને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે.

મળતી માહિતી અનુસાર, આરોપી આચાર્ય શાળા પરિવહન યોજના હેઠળ ગાડી ફેરવવાની મંજૂરી આપવા માટે ફરિયાદી પાસેથી દર મહિને રૂ. 3,000 કમિશન માગ્યું હતું. આ માગણી અંતર્ગત તેમણે ચાલુ વર્ષના ત્રણ મહિનાની 9,000, વર્ષ 2024ની મારુતિ વાન માટે 13,000 અને વર્ષ 2025ના ત્રણ મહિનાની 9,000 સહિત કુલ 31,000ની લાંચ માંગવામાં આવી હતી.

ફરિયાદીએ લાંચ આપવાનો ઇનકાર કરીને સીધો એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ યોજના બનાવી છટકું ગોઠવી. શાળા કંપાઉન્ડમાં જ, આરોપી આચાર્ય ફરિયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારી, ત્યારે એસીબીની ટીમે તેમને રંગેહાથ પકડી પાડ્યા હતા.

આ કામગીરી ભરૂચ એસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. શિંદેના માર્ગદર્શન હેઠળ અને વડોદરા એકમના નાયબ નિયામક પી.એચ. ભેસાણીયાના સુપરવિઝનમાં હાથ ધરાઈ હતી. હાલ આરોપીને ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

લાંચખોરીના આ કિસ્સાએ શિક્ષણ ક્ષેત્રમાં કાર્યરત સરકારી કર્મચારીઓ પ્રત્યે લોકોમાં નિરાશા વ્યાપી છે. સાથે શિક્ષણ વિભાગની ઈમાનદારી અને પારદર્શિતાને લઈને પ્રશ્નો ઊભા થયા છે. એસીબીના અધિકારીઓએ જણાવ્યું છે કે ભ્રષ્ટાચાર સામેની આ કામગીરી ભવિષ્યમાં અન્ય કર્મચારીઓ માટે ચેતવણીરૂપ સાબિત થશે.