Anand News: આણંદ જિલ્લાના ઉમરેઠમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી, જેના કારણે ચારે બાજુ પાણી ભરાઈ ગયા હતા. ઉમરેઠમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ચાર ઇંચ વરસાદમાં શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાતાં વાહનચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી હતી. ડાકોર-નડિયાદ રોડ પર અને લાલ દરવાજા વિસ્તારમાં પાણી ભરાવાના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
મુખ્ય માર્ગો પર પાણી ભરાતાં હાલાકી
ઉમરેઠના મુખ્ય માર્ગો પર પાણી ભરાવાના કારણે લોકોને ભારે હાલાકી વેઠવી પડી હતી. ડાકોર દર્શનાર્થે આવતા ભક્તો પણ રસ્તામાં ફસાઈ ગયા હતા અને તેમના વાહનો બંધ પડી ગયા હતા. સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક પાણી નિકાલની વ્યવસ્થા કરવા વિનંતી કરી હતી.

પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી
વરસાદને કારણે તંત્ર દ્વારા કરવામાં આવેલી પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ હતી. ચોમાસા પહેલાં વહીવટી તંત્ર દ્વારા કાંસો અને કેનાલોની સફાઈ કરવામાં આવતી હોય છે, પરંતુ તે યોગ્ય રીતે ન થવાને કારણે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક ધોરણે પાણી નિકાલની વ્યવસ્થા કરવા અને ભવિષ્યમાં આવી સમસ્યાઓ ન સર્જાય તે માટે યોગ્ય પગલાં લેવા માંગ કરી છે.

બોરસદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
બોરસદ શહેરમાં આજે મેઘરાજાએ મન મૂકીને વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. દહેવાન ગામમાં વરસાદી પાણી ભરાતા વહેલી સવારથી તંત્ર દ્વારા પાણીના નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી હતી. શહેરના ફુવારા ચોક અને જનતા બજાર રોડ પર વરસાદી પાણી ભરાયા હતા. બોરસદ શહેરની સાથે સાથે બોચાસણ, રૂદેલ, ડભાસી, નાવળ અને ઝારોલા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. વાસદ તારાપુર હાઇવે ઉપર પણ વરસાદ વરસી રહ્યો છે.

આજે બપોરે 12 વાગ્યા સુધીનો વરસાદ
આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં 4.57 ઇંચ, બોરસદમાં 3.07 ઇંચ, આંકલાવમાં 1.1 ઇંચ, ખંભાતમાં 22 મિ.મી., આણંદમાં 22 મિ.મી., તારાપુર તાલુકામાં 1 મિ.મી. વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં આણંદ જિલ્લાના ઉમરેઠમાં સૌથી વધુ 2.99 ઇંચ અને આણંદમાં 2.28 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સોજીત્રામાં 24 મિ.મી., આંકલાવમાં 10 મિ.મી., બોરસદમાં 8 મિ.મી., પેટલાદમાં 7 મિ.મી. વરસાદ પડ્યો છે.
