Amreli: સૌરાષ્ટ્રના દરિયામાં સર્જાયેલી ગંભીર પરિસ્થિતિ વચ્ચે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં 3 દિવસથી દરિયામાં લાપતા બનેલા 11 માછીમારોમાંથી ત્રણ માછીમારોના મૃતદેહ મળી આવ્યા છે.
કોસ્ટ ગાર્ડ દ્વારા ચલાવવામાં આવી રહેલા સઘન શોધખોળ અને બચાવ અભિયાનને આખરે સફળતા મળી છે. કોસ્ટ ગાર્ડના જહાજે દરિયામાં 30 નોટિકલ માઈલ દૂરથી આ ત્રણ માછીમારોના મૃતદેહ શોધી કાઢ્યા છે.
હાલ કોસ્ટ ગાર્ડ દ્વારા મૃતકોના શબને જાફરાબાદ લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મોડી રાત્રે આ મૃતદેહો જાફરાબાદ પહોંચશે અને ત્યારબાદ તેમની ઓળખવિધિ કરવામાં આવશે. હજુ પણ 8 માછીમારો લાપતા છે. કોસ્ટ ગાર્ડ દ્વારા તેમની શોધખોળ યુદ્ધના ધોરણે ચાલુ રાખવામાં આવી છે. આ દુર્ઘટનાથી માછીમાર સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

જણાવી દઈએ કે, બે દિવસ પહેલા સૌરાષ્ટ્રમાં પડેલા ધોધમાર વરસાદના કારણે દરિયો તોફાની બન્યો હતો. જેમાં જાફરાબાદની બે અને રાજપરાની એક બોટ ડૂબી ગઈ હતી. જળસમાધિ લીધેલી આ ત્રણેય બોટોમાં સવાર 28 માછીમારો પૈકી 17ને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે 11 માછીમારો દરિયામાં લાપત્તા બન્યા હતા. જે બાદ સતત રેસ્ક્યુ ઑપરેશન ચલાવવામાં આવ્યું હતુ.