Asaram at Ahmedabad Civil Hospital: સુરત અને જોધપુરના દુષ્કર્મ કેસમાં દોષિત અને આજીવન કેદની સજા ભોગવી રહેલા 86 વર્ષીય આસારામની તબિયત ગંભીર થતાં તેમને મેડિકલ ચેકઅપ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. હોસ્પિટલમાં તેમનું મેડિકલ એક્ઝામિનેશન શરૂ કરવામાં આવ્યું છે, જેના કારણે સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઓપીડીમાં લોકોનો પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અગાઉ તેઓ ઈન્દોરની જ્યુપિટર હોસ્પિટલના આઈસીયુમાં દાખલ હતા.
આસારામની ગંભીર તબિયતને ધ્યાનમાં રાખીને ગુજરાત અને રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા તેમના વચગાળાના જામીન લંબાવવામાં આવ્યા છે. રાજસ્થાન હાઈકોર્ટે 8 ઓગસ્ટે સુનાવણી કરીને તેમના જામીન 29 ઓગસ્ટ સુધી લંબાવ્યા હતા, જ્યારે ગુજરાત હાઈકોર્ટે સુરત કેસમાં 7 ઓગસ્ટે જામીન 21 ઓગસ્ટ સુધી લંબાવ્યા છે. આસારામે તબીબી કારણોસર જામીન લંબાવવાની માંગ કરી હતી અને હોસ્પિટલ તેમજ ડોક્ટરોના સર્ટિફિકેટ રજૂ કર્યા હતા. ગુજરાત હાઈકોર્ટે ત્રીજી વખત તેમના જામીન લંબાવ્યા છે, અને આ મામલે 21 ઓગસ્ટે વધુ સુનાવણી યોજાશે.
કોર્ટમાં રજૂ કરવામાં આવેલા મેડિકલ રિપોર્ટમાં આસારામની હાલત અત્યંત નાજુક હોવાનું જણાવાયું છે. તેમના વકીલ નિશાંત બોરડાએ કોર્ટને જણાવ્યું હતું કે, આસારામનું 'ટ્રોપોનિન લેવલ' ખૂબ જ ઊંચું છે, જે ચિંતાજનક છે. તેમની સારવાર કરી રહેલા ડોક્ટરના મતે તેમની હાલત ગંભીર છે. આ મેડિકલ રિપોર્ટના આધારે જ બંને હાઈકોર્ટે તેમને વચગાળાના જામીન આપ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર ચર્ચાનો વિષય બનાવ્યો છે.