Ahmedabad Sabarmati River Floods: ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી વરસાદ ચાલુ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે, જેમાં ખાસ કરીને 27 ઓગસ્ટ અને 28 ઓગસ્ટે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને 28 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે અને પોર્ટ પર પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના ડિરેક્ટર એ. કે. દાસના જણાવ્યા મુજબ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફની સક્રિયતાને કારણે રાજ્યમાં આ વરસાદી માહોલ બન્યો છે.
ઉત્તર ગુજરાતમાં થયેલા ભારે વરસાદના કારણે ધરોઈ ડેમ અને સંત સરોવર ડેમમાંથી સાબરમતી નદીમાં મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ધરોઈ ડેમના ત્રણ દરવાજા 10 ફૂટ ખોલીને 38,976 ક્યુસેક પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, ગાંધીનગરના સંત સરોવરમાંથી પણ 96,243 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ બંને ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે સાબરમતી નદીનું જળસ્તર ભયજનક સપાટી વટાવી રહ્યું છે, જેના પગલે અમદાવાદ શહેરના 19 વિસ્તારો અને આસપાસના 133 ગામોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે.
સાબરમતી નદીમાં વધી રહેલા પાણીના પ્રવાહને નિયંત્રિત કરવા માટે અમદાવાદના વાસણા બેરેજના તમામ 25 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે અને 64,831 ક્યુસેક પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે. હાલ સુભાષ બ્રિજ ખાતે ‘વ્હાઈટ સિગ્નલ’ આપવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે નદીનું પાણી ખતરાના નિશાનથી ઉપર વહી રહ્યું છે. વહીવટીતંત્ર, NDRF અને સ્થાનિક પોલીસ દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. લોકોને સલામત સ્થળે રહેવા અને નદીકાંઠા વિસ્તારમાં ન જવાની અપીલ કરવામાં આવી છે. તંત્ર દ્વારા કોઈપણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણ તૈયારી રાખવામાં આવી છે.