વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 25 અને 26 ઓગસ્ટ, 2025 રોજ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાનના પ્રવાસ કાર્યક્રમની વિગતો આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આ મુલાકાત દરમિયાન તેઓ અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા માટે રૂપિયા 5477 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાન25મીએ અમદાવાદના નિકોલમાં ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે અને ત્રણ શહેરોને વિવિધ વિભાગો હેઠળ વિકાસકાર્યોની ભેટ આપશે. આ વિભાગોમાં રેલવે (રૂપિયા 1404 કરોડ), શહેરી વિકાસ (રૂપિયા 2548 કરોડ), એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ્સ (રૂપિયા 1122 કરોડ), માર્ગ અને મકાન (રૂપિયા 307 કરોડ) અને રેવન્યૂ વિભાગ (રૂપિયા 96 કરોડ)નો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે વર્ષ 2025ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે ત્યારે આ વિકાસકાર્યો રાજ્યના નાગરિકોની સુવિધા અને સુખાકારીને પ્રોત્સાહન આપશે.
અમદાવાદને મળશે રૂપિયા 3125 કરોડના વિકાસકાર્યોની ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ શહેરમાં રૂપિયા 2209 કરોડના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને રૂપિયા 916 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવાના છે. તેઓ UGVCL હેઠળ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમને લગતા રૂપિયા 608 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે, જેનો હેતુ અમદાવાદમાં વીજ વિતરણ વ્યવસ્થાને અપગ્રેડ અને તેનું વિસ્તરણ કરવાનો છે. આ ઉપરાંત, રૂપિયા 133 કરોડથી વધુના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના આઈએસએસઆર ઘટક હેઠળ રામાપિરના ટેકરોના સેક્ટર-3 ખાતે આવેલી ઝૂંપડપટ્ટીના વિકાસનું લોકાર્પણ, 66kV ગોતા સબસ્ટેશન, 66kV ચાંદખેડા-2 સબસ્ટેશન, વિરમગામ ખુદડ રોડ કિમી 0/00 થી 21/400નું લોકાર્પણ વગેરેનો સમાવેશ થાય છે.
વડાપ્રધાનના હસ્તે અમદાવાદમાં થનારા ખાતમુહૂર્તના કામોમાં શેલા, મણિપુર, ગોધાવી, સનાથલ અને તેલાવ માટે સ્ટ્રોમ વૉટર ડ્રેનેજ સિસ્ટમનું બાંધકામ અને 5 વર્ષનું સંચાલન અને જાળવણી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટ્રીટ ફર્નિચર સાથે લૉ ગાર્ડન અને મીઠાખળી પ્રિસિંક્ટનો વિકાસ, અમદાવાદ શહેરમાં સાબરમતી અને અમદાવાદ સ્ટેશન વચ્ચે ફોર લેન અસારવા રેલવે ઓવર બ્રિજનું પુનર્નિર્માણ, દક્ષિણ પશ્ચિમ ઝોનના સરખેજ વોર્ડ ખાતે મિનિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું બાંધકામ વગેરેનો સમાવેશ થાય છે.
અમદાવાદમાં સ્ટેમ્પ્સ એન્ડ રજિસ્ટ્રેશન ભવનનું ખાતમુહૂર્ત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ (પશ્ચિમ)માં સ્ટેમ્પ્સ એન્ડ રજિસ્ટ્રેશન ભવનનું ખાતમુહૂર્ત પણ કરવાના છે. આ ઉપરાંત, અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA) બે તબક્કામાં હાઇબ્રિડ એન્યુઇટી મોડ હેઠળ ચાર-માર્ગીય મુખ્ય માર્ગ છ માર્ગીય બનાવશે, જેમાં ઝડપ અને સલામતીને ધ્યાને લઈ એક્સપ્રેસવેના માપદંડો મુજબ નિયંત્રિત પ્રવેશની જોગવાઈ રાખેલ છે. છ માર્ગીય મુખ્ય માર્ગ ઉપરાંત, 32 કિમી લંબાઈમાં ચાર માર્ગીય સર્વિસ રોડ, 30 કિમી લંબાઈમાં ત્રિ-માર્ગીય સર્વિસ રોડ બનશે. આ માટે કુલ પ્રોજેક્ટ ખર્ચ રૂપિયા 1,624 કરોડ છે, જેનો હેતુ અમદાવાદ શહેરની આસપાસ ટ્રાફિક ક્ષમતા અને માળખાગત સુવિધામાં અદ્યતન સુધારો કરવાનો છે. વડાપ્રધાનઆ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવાના છે.
ગાંધીનગર શહેરને મળશે રૂપિયા 555 કરોડના વિકાસકાર્યોની ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર શહેર માટે રૂપિયા 555 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેઓ UGVCL હેઠળ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમને લગતા રૂપિયા 178 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. તો પેથાપુર અને રાંધેજામાં પાણી પુરવઠા લાઇન અને અને GUDA હેઠળ ડભોડા ગામમાં ગટર વ્યવસ્થા સુવિધાઓ તેમજ ડ્રેનેજ માળખાનું લોકાર્પણ કરવામાં આવશે. વડાપ્રધાનના હસ્તે થનારા ખાતમુહૂર્તના કાર્યોમાં ગાંધીનગર શહેર ખાતે રાજ્ય સ્તરીય ડેટા સ્ટોરેજ સેન્ટરનું નિર્માણ, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ધોળાકુવાથી પંચેશ્વર સર્કલ સુધી મેટ્રો રેલને સમાંતર રસ્તાનું બાંધકામ, વિવિધ વિસ્તારમાં સ્ટોર્મ વૉટર લાઇન અને ગટર લાઇન ઇન્સ્ટોલેશન વગેરેનો સમાવેશ થાય છે.
મહેસાણામાં રેલવે વિભાગના રૂપિયા 1400 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહેસાણાને કુલ રૂપિયા 1796 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ આપશે અને 2 ટ્રેનનું ફ્લૅગ-ઑફ કરશે. તેઓ UGVCL હેઠળ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમને લગતા પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. વડાપ્રધાનરૂપિયા 1400 કરોડથી વધુના જે રેલવે પ્રોજેક્ટ્સ દેશને સમર્પિત કરશે, તેમાં રૂપિયા 537 કરોડના ખર્ચે તૈયાર થયેલ મહેસાણા-પાલનપુર રેલવે લાઇન (65 કિમી)નું ડબલિંગ, રૂપિયા 347 કરોડના ખર્ચે કલોલ-કડી-કટોસણ રોડ રેલવે લાઇન (37 કિમી)નું ગેજ કન્વર્ઝન અને રૂપિયા 520 કરોડના ખર્ચે બેચરાજી-રણુંજ રેલવે લાઇન (40 કિમી)ના ગેજ કન્વર્ઝનનો સમાવેશ થાય છે. આ રેલવે પ્રોજેક્ટ્સ ખાસ કરીને ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓને બ્રૉડગેજ લાઇન દ્વારા સરળ, સલામત અને સીમલેસ કનેક્ટિવિટી પ્રદાન કરશે.