Commonwealth Games 2030 in Ahmedabad: કોમનવેલ્થ ગેમ્સ 2030નું આયોજન કરવા માટે અમદાવાદની યજમાનીનો માર્ગ હવે વધુ મોકળો બન્યો છે. તાજેતરમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટે યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા બિડ પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ મંજૂરી સાથે, જો બિડ સ્વીકારવામાં આવે તો, કેન્દ્ર સરકાર ગુજરાત સરકારને જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવા માટે પણ તૈયાર થઈ ગઈ છે. અમદાવાદને આ માટે પસંદ કરવાનું મુખ્ય કારણ અહીં ઉપલબ્ધ વર્લ્ડ-ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અત્યાધુનિક સ્ટેડિયમ જેવી સુવિધાઓ છે. આ બિડ સ્વીકારાય તો 72 દેશોના ખેલાડીઓ ભારતમાં ભાગ લેવા આવશે.
કેન્દ્રીય કેબિનેટની મંજૂરી બાદ, ભારતે 31મી ઓગસ્ટ સુધીમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે અંતિમ બિડ પ્રસ્તાવ રજૂ કરવાનો રહેશે. નવેમ્બરના અંતમાં યજમાની અંગેનો અંતિમ નિર્ણય લેવામાં આવશે. કેટલાક દેશોની બાદબાકી થતાં ભારતને આ યજમાની મળવાની શક્યતા વધી ગઈ છે. ગયા મહિને, કોમનવેલ્થ સ્પોર્ટ ડિરેક્ટર ડેરેન હોલની આગેવાની હેઠળની એક ટીમે અમદાવાદમાં વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી અને ગુજરાત સરકારના અધિકારીઓ સાથે બેઠક પણ યોજી હતી.
અમદાવાદની પસંદગીનું મુખ્ય કારણ તેની રમતગમત માટે આદર્શ યજમાન શહેર તરીકેની ક્ષમતા છે, જેમાં વિશ્વ-કક્ષાના સ્ટેડિયમો, અત્યાધુનિક તાલીમ સુવિધાઓ અને એક ઉત્સાહી રમતગમત સંસ્કૃતિનો સમાવેશ થાય છે. ખાસ કરીને, વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમે ૨૦૨૩ના ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલનું સફળતાપૂર્વક આયોજન કરીને તેની ક્ષમતા સાબિત કરી દીધી છે.
જો અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળે તો તેનાથી ભારતને અનેક આર્થિક અને સામાજિક ફાયદાઓ થશે. આ ગેમ્સ દરમિયાન 72 દેશોના ખેલાડીઓ, કોચ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં પ્રવાસીઓ ભારતની મુલાકાત લેશે, જેનાથી સ્થાનિક વ્યવસાયોને ફાયદો થશે અને આવકમાં વધારો થશે. આ ઉપરાંત, પ્રવાસનને પણ વેગ મળશે અને મોટી સંખ્યામાં રોજગારીનું સર્જન થશે. રમતગમતના ક્ષેત્ર ઉપરાંત, ઇવેન્ટ મેનેજમેન્ટ, લોજિસ્ટિક્સ, બ્રોડકાસ્ટિંગ, આઈટી, અને જનસંપર્ક જેવા ક્ષેત્રોમાં પણ વ્યાવસાયિકોને નવી તકો મળશે. સૌથી અગત્યનું, આ આયોજન યુવા ખેલાડીઓને કારકિર્દી તરીકે રમતગમત અપનાવવા માટે પ્રેરણા પૂરી પાડશે.