Gujarat High Court News: ગુજરાત હાઇકોર્ટમાં છેલ્લા ચારેક દિવસથી હડતાલ ચાલી રહી છે. કોર્ટની તમામ કાર્યવાહી ઠપ થઇ ગઇ છે. હાઇકોર્ટના મુખ્ય દરવાજાની બહાર વકીલો બદલીના વિરોધમાં સૂત્રોચ્ચાર કરીને જસ્ટિસ સંદિપ ભટ્ટની બદલીનો સતત વિરોધ કરી રહ્યા છે. આ હડતાલમાં હવે નીચલી કોર્ટના 271 જેટલા વકીલ મંડળોએ પણ જોડાવા માટે બેઠકો કરી છે. જે આ હડતાલમાં વકીલ મંડળો જોડાશે તો રાજ્યભરની તમામ કોર્ટ હડતાળમાં જોડાશે અને આંદોલન મોટું સ્વરૂપ ધારણ કરશે.
ત્રણ દિવસથી હડતાળ શરુ
ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રતિનિધિમંડળે કહ્યું કે, જસ્ટિસ સંદીપ ભટ્ટની બદલી કયા કારણોસર કરવામાં આવી રહી છે તે અંગે કોઇ પારદર્શકતા જળવાતી જોવા મળી રહી નથી. ન્યાયતંત્રમાં જસ્ટિસ સંદીપ ભટ્ટ જેવા ન્યાયાધીશોને લીધે પારદર્શિતા જળવાય છે. તેમજ વધુમાં કહ્યું કે, પ્રતિનિધિમંડળને હજુ સુધી કોઈ જવાબ મળતા નથી, જેના કારણે હડતાલ ચાલુ રાખવામાં આવશે.
સુપ્રિમના સહારે વકિલો
હાઇકોર્ટની રજિસ્ટ્રીમાં વહીવટી પારદર્શિતા જળવાય તે કારણોસર જસ્ટિસ સંદીપ ભટ્ટે સીસીટીવી કેમેરાના હુકમનું પાલન કરવા આદેશ આપ્યો હતો. સિંગલ જજના હુકમની સામે રજિસ્ટ્રાર જનરલે ખંડપીઠમાં અપીલ કરી હતી. ખંડપીઠે તે જ દિવસે સિંગલ જજના હુકમને રદ કરી નાખ્યો હતો. તે દિવસે જ જસ્ટિસ સંદીપ ભટ્ટને મધ્યપ્રદેશ હાઇકોર્ટ ખાતે બદલીનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. સુપ્રીમકોર્ટમાંથી કોઈ જવાબ નહીં મળતા લડત હજી પણ ચાલુ રહેશે. વકીલોનું એક પ્રતિનિધિ મંડળ સુપ્રીમના ચીફ જસ્ટિસને આ અંગે રજૂઆત કરવા માટે ગયું હતું.