Ahmedabad airport: અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ દાણચોરીનું હબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. દાણચોરો પણ નવા નવા કિમીયાઓ અજમાવી રહ્યા છે. દુબઈથી અમદાવાદ આવતી સ્પાઈસ જેટની ફ્લાઇટ નંબર SG16માં એક પેસેન્જર પાસેથી રૂપિયા 36,59,553 રૂપિયાના સોના સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો.
બેગમાં આવી રીતે સોનું છુપાવ્યું
સોનાની દાણચોરી માટે આ શખ્સે 82 જેટલા સ્ક્રૂને એલ્યુમિનિયમ કોટેડ કરીને સામાન્ય જેવી ટ્રોલી બેગ બનાવીને દુબઈથી અમદાવાદ લાવવાની ફિરાકમાં હતો. આ અંગે DRIના AZને સમગ્ર દાણચોરી બાબતે બાતમી મળી હતી. જેમાં એરપોર્ટ ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા દુબઈથી અમદાવાદ આવતી SG16 ફલાઈટના લેન્ડિંગ બાદ એક પેસેન્જર પાસેથી ટ્રાવેલ ટ્રોલી બેગ જપ્ત કરાઇ હતી.
અમદાવાદ એરપોર્ટ પર ભાંડો ફૂટ્યો
આ બેગમાં સામાન્ય કરતા વધુ જ સ્ક્રૂ જોવા મળ્યા હતા. જેની તપાસ કરતા એલ્યુમિનિયમ જેવા દેખાતા સ્ક્રૂ એલ્યુમિનિયમના નહીં પણ સોનાના એલ્યુમિનિયમ કોટેડ સ્ક્રૂ હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. આ 82 સોનાના એલ્યુમિનિયમ કોટેડ સ્ક્રૂને ઓગાળતા તેમાંથી 353.8 ગ્રામ જેટલું સોનું એકઠું થયું હતું. જેની હાલમાં બજાર કિંમત 36,59,533 જેટલી થાય છે.