Ahmedabad Student Stabbing Case: અમદાવાદના મણિનગર વિસ્તારની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના બનાવમાં સ્કૂલની ગંભીર બેદરકારી સામે આવતા, DEO દ્વારા મેનેજમેન્ટને આચાર્ય, વહીવટી હેડ અને અન્ય જવાબદાર સ્ટાફને નોકરીમાંથી બરતરફ કરવાનો આદેશ કરાયો છે. પુણે સ્થિત ટ્રસ્ટના ત્રણ પ્રતિનિધિઓએ DEO સમક્ષ ખુલાસો રજૂ કર્યો હતો, પરંતુ તે ગ્રાહ્ય ન રાખીને કાર્યવાહી કર્યા અંગેનો રિપોર્ટ રજૂ કરવા નોટિસ આપવામાં આવી છે. બીજી તરફ, DEO કચેરીની ચાર સભ્યની સમિતિ સમક્ષ 9 હજારથી વધુ વિદ્યાર્થીઓ પૈકી માત્ર 70 જેટલી જ પ્રવેશ રદ માટેની ઈન્કવાયરી આવી હતી. વિદ્યાર્થી સંગઠન ABVPના કાર્યકરોએ સ્કૂલની માન્યતા રદ કરવાની ઉગ્ર માગ સાથે DEO કચેરીને બાનમાં લીધી હતી અને કચેરીમાં સાબરમતીની એક સ્કૂલ દ્વારા તૈયાર કરાયેલા સુવાક્યોનો વિરોધ કરીને ઉતરાવી દીધા હતા.
અમદાવાદ શહેર DEOએ સ્કૂલને કરેલા આદેશમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીની હત્યા અંગે ખુલાસો રજૂ કરવાની સૂચના છતાં સ્કૂલે ખુલાસો કર્યો નહોતો, જે ગંભીર બેદરકારી દર્શાવે છે. ઈજાગ્રસ્ત હાલતમાં પડેલા વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર આપવામાં પણ સ્કૂલ દ્વારા ઉદાસીનતા દાખવવામાં આવી હતી. વાલીઓના મતે, અગાઉ પણ શાળામાં વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડાની ઘટનાઓ બનવા છતાં કોઈ કાર્યવાહી થઈ નહોતી. વિદ્યાર્થીની હત્યાના પગલે ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં શાળાના આચાર્ય અને સ્ટાફની ગંભીર બેદરકારી સામે આવી હતી, જેથી આચાર્ય ડૉ. જી. ઈમાન્યુએલ, સિક્યોરિટી ગાર્ડ અને એડ્મિનિસ્ટ્રેશન સ્ટાફ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. DEOએ હાલની સ્થિતિ જોતા આચાર્ય, વહીવટી હેડ અને જવાબદાર સ્ટાફને તાત્કાલિક બરતરફ કરીને રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. બીજી તરફ, વાલીઓ દ્વારા અન્ય સ્કૂલોમાં બાળકોના પ્રવેશ અંગેની ઈન્કવાયરી શરૂ થતાં, DEO દ્વારા ચાર અધિકારીઓની નિમણૂક કરાઈ હતી, જેમની સમક્ષ મોટાભાગના વાલીઓની ICSE અથવા CBSE બોર્ડ સંલગ્ન સ્કૂલોમાં પ્રવેશની માગ હતી અને દિવસ દરમિયાન માત્ર 70 જેટલી જ ઈન્કવાયરી આવી હતી.
DEOની નોટિસના પગલે પુણે સ્થિત ટ્રસ્ટના એજ્યુકેશન ડાયરેક્ટર અને અન્ય બે સભ્યો અમદાવાદ આવ્યા હતા. DEO કચેરીમાં હાજર આ સભ્યોના કહેવા મુજબ, સ્કૂલ પ્રિન્સિપાલે તેમને આખી ઘટના અંગે કોઈ માહિતી આપી નહોતી. આથી, DEOએ સ્કૂલ દ્વારા રજૂ કરાયેલા ખુલાસાને માન્ય ન રાખીને ટ્રસ્ટને ખુલાસો રજૂ કરવાની સૂચના આપી હતી. ટ્રસ્ટે રજૂ કરેલા ખુલાસામાં પ્રિન્સિપાલ સહિતના સ્ટાફને બરતરફ કરવા માટે કમિટી રચવામાં આવશે એવો જવાબ આપ્યો હતો. જોકે, DEOએ તેની નોટિસમાં સ્પષ્ટ આદેશ આપ્યો છે કે, બરતરફ કર્યા અંગેની કાર્યવાહીનો રિપોર્ટ સત્વરે રજૂ કરવામાં આવે.
સેવન્થ ડે સ્કૂલ સ્કૂલની ઘટના શું હતી?
અમદાવાદના મણિનગરની વિસ્તારમાં સેવન્થ ડે સ્કૂલ આવેલી છે. જેનું નામ સેવન્થ ડે એડવેન્ટિસ્ટ ઉચ્ચ માધ્યમિક શાળા છે. જે હાલ ચર્ચમાં છે. 19 ઓગસ્ટ 2025ના રોજ સેવન્થ ડે સ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થીની ધોરણ 8ના વિદ્યાર્થીએ હત્યા કરી છે.આ બનાવના આખા ગુજરાતમાં પડઘા પડ્યા છે. સ્કૂલ ઉપર આરોપ છે કે ઝઘડો અગાઉ પણ થયો હતો પરંતુ ધ્યાન આપવામાં આવ્યું ન હતું. ઉપરાત વિદ્યાર્થી લોહીલુહાણ હાલતમાં હોય છતા તેની મદદે કોઈ ન આવ્યું કે ન એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી. માતા અને પરિવાર બનાવની જાણ થતા સ્કૂલે દોડી આવ્યા હતા અને રિક્ષામાં તેને હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ વિદ્યાર્થીનું મોત થયું હતું. ઉપરાંત સ્કૂલ પર એવો આરોપ પણ લાગ્યો છે કે એમ્બ્યુલન્સ બોલાવવાનો સમય ન હતો પરંતુ હત્યાના કારણે થયેલા લોહીના ડાઘા ધોવા માટે પાણીનું ટેન્કર મંગાવવામાં આવ્યું હતું. હવે લોકો અને સામાજિક સંસ્થા પણ મૃતક નયન સંતાણીને ન્યાય મળે તેવી માંગ કરી રહ્યા હતા.