Ganesh Utsav 2025: દેશભરમાં આજે ગણેતોત્સવની શરૂઆત સાથે વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસના દરબાર હોલમાં ભવ્ય શોભા સાથે વિઘ્નહર્તા ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી. પરંપરા મુજબ રાજવી પરિવાર આવતા 10 દિવસ સુધી શ્રીજીની પૂજા-અર્ચના કરશે, જ્યારે શહેરભરના ભક્તો પેલેસમાં જઈને શાહી ગણેશના દર્શન કરી શકશે.
આ પરંપરાનો આરંભ 1939માં મહારાજા સયાજીરાવ ગાયકવાડે કર્યો હતો. તેમણે કાશીના પંડિતોને બોલાવી શહેરના કલાકારો પાસેથી ગણેશજીના સ્કેચ તૈયાર કરાવી માટીની મૂર્તિઓ બનાવડાવી હતી. મહારાજાના અવસાન બાદ પ્રતાપસિંહરાવ ગાયકવાડે પહેલાની મૂર્તિની જગ્યાએ કાશીના પંડિતોએ બનાવેલી શાસ્ત્રોક્ત વિધિ મુજબની માટીની મૂર્તિ પસંદ કરી અને તે લક્ષ્મી વિલાસ પેલેસમાં સ્થાપિત કરવામાં આવી.
પરંપરા જાળવી રાખતાં આજે પણ શાહી યાત્રા દાંડિયાબજારથી શરણાઈના સ્વર સાથે પેલેસ સુધી પહોંચી. ત્યારબાદ દરબાર હોલમાં 36 ઇંચ ઊંચાઈ અને 90 કિલો માટીથી બનેલી મૂર્તિને હીરા-ઝવેરાતના આભૂષણોથી શોભિત કરી બિરાજમાન કરાવવામાં આવી. ખાસ વાત એ છે કે આ માટી ભાવનગરથી મંગાવવામાં આવે છે અને મૂર્તિ બનાવવાનો જવાબદાર વર્ષોથી ચવ્હાણ પરિવાર છે.
આ પણ વાંચો
મહારાજા સમરજિતસિંહ ગાયકવાડ અને રાજવી પરિવારના સભ્યોએ વિધિપૂર્વક પૂજા કરી, જ્યારે પેલેસના રાજગુરુએ મંત્રોચ્ચાર સાથે આરાધના શરૂ કરી. આવતા 10 દિવસ દરમિયાન રાજમહેલમાં શાહી ઠાઠ સાથે ગણેતોત્સવ ઉજવાશે અને શહેરના ભક્તોને પેલેસમાં શ્રીજીના દર્શન કરવાનો મોકો મળશે.