Vadodara News: વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલી કામધેનુ સેવા સંવર્ધન ગૌશાળા છેલ્લા કેટલાય વર્ષોથી દેશી ગાયોનું સંવર્ધન કરે છે. વર્ષ 2017માં શરૂ થયેલી આ ગૌશાળાની વિશેષતા એ છે કે અહીં એવી ગાયો રાખવામાં આવે છે, જે તરછોડાયેલી, અપંગ કે દૂધ ન આપતી હોય. શહેરના દંપતી મનોજસિંહ અને શ્રુતિસિંહ યાદવ દ્વારા સંચાલિત આ ગૌશાળામાં હાલમાં ગીર, કાંકરેજ અને ડાંગરી જેવી પ્રજાતિના 22 જેટલા ગૌવંશ છે. દરેક ગાય પર દૈનિક 250થી 300 રૂપિયાનો ખર્ચ થતાં ગૌશાળાના સંચાલનમાં પડકારો ઉભા થયા.
આ સમયે દંપતીએ ગાયોને આત્મનિર્ભર બનાવવા માટે નવી દિશામાં વિચાર કર્યો અને ગાયના ગોબર, ગૌમૂત્ર અને કુદરતી સામગ્રીનો ઉપયોગ કરીને ‘ગૌમય ગણેશ પ્રતિમા’ બનાવવાનું શરૂ કર્યું. આ પ્રતિમાઓ સંપૂર્ણ કુદરતી રંગોથી તૈયાર કરવામાં આવે છે અને વિસર્જન બાદ પર્યાવરણને નુકસાન કરતી નથી. 9 ઇંચથી 2 ફૂટ સુધીની આ પ્રતિમાઓ બજારમાં ઉપલબ્ધ પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાથી સસ્તી અને ઇકો-ફ્રેન્ડલી છે.

શ્રુતિસિંહ યાદવ જણાવે છે કે આ પહેલનો હેતુ પર્યાવરણનું સંરક્ષણ કરવાનું તથા લોકોને પરંપરાઓ સાથે ફરી જોડવાનું છે. પ્રતિમાઓની સાથે આ વર્ષે ખાસ કરીને એક છોડ પણ આપવામાં આવે છે, જેથી વિસર્જન બાદ એજ માટીમાં છોડ રોપી શકાય.
આ અનોખી પહેલ વડોદરા ઉપરાંત બોરસદ, આણંદ, ભરૂચ, સુરત સહિત અનેક વિસ્તારોમાં લોકપ્રિય બની રહી છે. વિદેશથી પણ ઓર્ડર મળતા ગૌશાળાને વધુ બળ મળ્યું છે. આગામી વર્ષોમાં સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્ર સુધી આ પ્રતિમાઓ પહોંચાડવાનું ટ્રસ્ટનું લક્ષ્ય છે.