Vadodara News: ઉત્સવ પ્રિય નગરી વડોદરામાં બાપ્પાની ભકિત માટે આખું વર્ષ ગણેશોત્સવની આતુરતાથી રાહ જોવાતી હોય છે. મુંબઇ બાદ દેશમાં સૌથી વધુ ધામધુમથી ગણેશોત્સવની ઉજવણી વડોદરામાં થાય છે જેને લીધે વડોદરામાં ગણેશોત્સવના ત્રણ મહિના પહેલાથી શહેરના અલગ અલગ વિસ્તારમાં શ્રીજીની પ્રતિમા બનાવવા માટે કારખાના શરુ થઇ જાય છે. આ વર્ષે વડોદરામાં 100 જેટલા કારખાનામાં શ્રીજીની પ્રતિમા બનાવવાનો પ્રારંભ થઇ ગયો છે. મૂર્તિકારો દ્વારા બાપ્પાની એક ફુટથી લઇ નવ ફુટ સુધીની પ્રતિમા બનાવવાનું કામ પુરજોશમાં શરુ થઇ ગયું છે.
ગણેશોત્સવ દરમિયાન વડોદરામાં એકથી એક ચઢિયાતા આયોજનો જોવા મળે છે. જે માટે ગણેશ ભકતો કારખાનામાં આવી મૂર્તિકારોની મુલાકાત લઇ રહ્યાં છે. જયારે કેટલાક આયોજકો હમણાંથી બુકિંગ કરવા માંડયા છે. આ વર્ષે મૂર્તિકારોનો પગાર તેમજ વાંસ, બીરલાપટ્ટી, માટી, ટેકા, ખીલીકાપડ સહિતની સામગ્રીના ભાવમાં 20થી 30 ટકા જેટલો વધારો થયો હોય ભકતોને ગણેશોત્સવની ઉજવણીમાં મોંઘવારી નડશે. તેવું ચિત્ર દેખાઇ રહ્યું છે. જો કે દર વર્ષે મોંઘવારીનું વિઘ્ન આવતુ હોવા છતાં ભકતો વિઘ્નહર્તાની ભકિતમાં જરાય કચાશ રાખતા નથી.

નાની મૂર્તિમાં 1000થી 2000નો વધારો
શ્રીજીની પ્રતિમા બનાવતા કારખાનાના અજમેરીએ જણાવ્યું હતુ કે, આ વર્ષે કારખાના મોડા શરુ થયા છે. બીજી બાજુ કારખાના માટેની જગ્યા સાથે શ્રીજીની પ્રતિમા બનાવવા માટે વપરાતી સાધન-સામગ્રીના ભાવમાં 20થી 30 ટકા જેટલો વધારો થયો છે. જેને લીધે આ વર્ષે શ્રીજીની પ્રતિમાના ભાવમાં 10 થી 20 ટકા જેટલો વધારો જોવા મળશે. ગત વર્ષની તુલનામાં આ વર્ષે બાપ્પાની નાની મૂર્તિના ભાવમાં 1000થી 2000 સુધીનો વધારો થશે. જયારે મોટી મૂર્તિ 10થી 15 ટકા જેટલી મોંઘી મળશે.
આ પણ વાંચો

કઈ સામગ્રીમાં કેટલો ભાવ વધ્યો?
- વાંસનો ભાવ રૂ.100 થી વધીને રૂ.125 થયો, એટલે કે 25 ટકાનો વધારો.
- ટેકાનો ભાવ રૂ.40 થી વધીને રૂ.70 થયો, એટલે કે 75 ટકાનો વધારો.
- મૂર્તિકારના મહેનતાણા રૂ.30,000 થી વધી રૂ.38,000 થી રૂ.40,000 સુધી પહોંચ્યા, એટલે કે આશરે 30 ટકાનો વધારો.
- ઘાસ (100 કિલો)નો ભાવ રૂ.1,000 થી વધીને રૂ.1,250 થયો, એટલે કે 25 ટકાનો વધારો.
- છારું માટી (25 કિલો)નો ભાવ રૂ.150 થી વધીને રૂ.180 થયો, એટલે કે 20 ટકાનો વધારો.
- તાપીની કાળી માટી (પ્રતિ ટ્રેકટર)નો ભાવ રૂ.3,500 થી વધીને રૂ.4,000 થયો, એટલે કે 14 ટકાનો વધારો.