Vadodara News: વડોદરા જિલ્લાના તલસઠ ગામના સરપંચ નવનીતભાઈ બળવંતભાઈ ઠાકોરે ગામના જ કેટલાક આગેવાનોના ત્રાસથી ત્રાહિમામ થઈ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યાં હાલમાં તેમની હાલત નાજુક હોવાનું જણાઈ રહ્યું છે.
સરપંચ નવનીતભાઈએ લખેલી ત્રણ પાનાની સુસાઇડ નોટમાં ચાર લોકોના નામ ઉલ્લેખિત કર્યા છે. તેમાં સુખદેવ ઠાકોર, રાકેશ ઠાકોર, પિયુષ ઠાકોર અને સતીષ ઠાકોરનો સમાવેશ થાય છે. સરપંચે આરોપ લગાવ્યો છે કે આ લોકો વિકાસના કામોમાં અડચણો ઊભી કરી રહ્યા હતા અને લાંબા સમયથી માનસિક ત્રાસ આપી રહ્યા હતા. ખાસ કરીને વિકાસના કામોના પૈસા અટકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો, જેનાથી સરપંચે અંતિમ નિર્ણય લેવાનો દાવો કર્યો છે.
સુસાઇડ નોટમાં નવનીતભાઈએ આક્ષેપ કર્યો છે કે પૂર્વ સરપંચ અને કેટલાક મળતિયા મળીને ગામના વિકાસના કામોમાં રોડા નાખી રહ્યા હતા. તેમણે એ પણ ઉલ્લેખ્યું કે અગાઉ પણ તેમના પર જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ થયો હતો. આ તમામ પરિસ્થિતિએ તેમને માનસિક દબાણમાં મૂકી દીધા હોવાનો ઉલ્લેખ તેમણે પોતાના અંતિમચિઠ્ઠીમાં કર્યો છે.
આ પણ વાંચો
હાલમાં સરપંચ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ ગંભીર છે. તેમના પરિવાર પર આ ઘટનાથી શોકનો માહોલ છવાયો છે. નવનીતભાઈના પરિવારમાં પિતા, માતા, પત્ની, બે સંતાનો તથા ત્રણ ભાઈઓ છે. બીજી તરફ, પરિવારજનોએ પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યા છે અને આક્ષેપ કર્યો છે કે અગાઉ કરાયેલા જીવલેણ હુમલાના મામલે પણ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નહોતા. અને હાલ પણ ગુનોગારો બહાર ફરી રહ્યા છે પોલીસ તેમની ધરપકડ કરી રહી નથી.