Nadiad News: ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાયા બાદ નદીમાં પાણીની મોટી આવક થઈ છે. જેના કારણે અમદાવાદ, ધોળકા અને ખેડા તાલુકાના નદીકાંઠાના વિસ્તારોમાં પાણી ઘૂસી જતાં અનેક ગામોમાં તબાહી મચી ગઈ છે. ખાસ કરીને ખેડા તાલુકાના પથાપુરા ગામમાં પરિસ્થિતિ ગંભીર બની છે. નદીના પાણી ગામના સીમાડા વિસ્તારના ખેતરોમાં ઘૂસ્યા બાદ મુખ્ય માર્ગો પર અને અંતે ઘરોમાં પ્રવેશ્યા છે.
અંદાજે 20 જેટલા મકાનોમાં પાણી ઘૂસતાં ઘરવખરીને મોટું નુકસાન થયું છે. સ્થાનિક રહેવાસી કનુભાઈએ જણાવ્યું કે, “ગતરોજ સવારથી જ પાણી ઘરમાં ઘૂસતા ઘરવખરી તથા ઢોરઢાંખર ખસેડવાની ફરજ પડી.” ફક્ત ઘરવખરી જ નહીં, પણ ખેતરોમાં પણ નદીના પાણી પહોંચતાં ખેતીને વ્યાપક નુકસાન થવાની ભીતી છે.
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્રે સાવચેતીના ભાગરૂપે ખેડા-ધોળકા સ્ટેટ હાઈવે બંધ કરી દીધો છે. ઉપરાંત કલોલીથી પથાપુરા અને રઢુથી પથાપુરા એમ બે માર્ગો ઓવરટોપિંગને કારણે બંધ કરવામાં આવ્યા છે અને વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.
જિલ્લા વહીવટી તંત્રે રેસ્ક્યૂ કામગીરી પણ હાથ ધરી છે. ગતરોજ હેલિકોપ્ટર મારફતે ધરોડ ગામેથી ત્રણ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. હાલ પથાપુરા ગામમાં પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યું, જેના કારણે રહેવાસીઓમાં ભયનો માહોલ છે. તંત્ર દ્વારા સતર્કતા સાથે કામગીરી ચાલુ છે અને પ્રભાવિત વિસ્તારોમાં રાહત પહોંચાડવા પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.