Bharuch News: અંકલેશ્વરમાં શ્રીજીની આગમન યાત્રાઓમાં આનંદના માહોલ વચ્ચે બે દુર્ઘટનાઓએ ચકચાર મચાવી દીધી છે. પહેલી ઘટના ગડખોલ ગામના રોડ પર બની હતી, જ્યાં ડી.જે. લગાડેલો ટેમ્પો રિવર્સ લેતા પાછળ નાચી રહેલા બાળકોને અડફેટે લીધો હતો. આ ઘટનામાં ટેમ્પાના ટાયર નીચે કચડાતા એક બાળકીનું કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે ત્રણ અન્ય બાળકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
પ્રાથમિક માહિતી મુજબ ટેમ્પો હંકારનાર ડ્રાયવરે પોતાનું વાહન અન્ય વ્યક્તિને આપતા આ દુર્ઘટના સર્જાઈ હતી. ઇજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
બીજી ઘટના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં નીકળેલી આગમન યાત્રા દરમિયાન બની હતી. અહીં ડી.જે.ના ઊંચા અવાજથી ભડકેલો આખલો અચાનક યાત્રામાં ઘૂસી ગયો હતો. આ ઘટનામાં આશરે આઠ લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. ઘાયલ લોકોને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. પ્રાથમિક અનુમાન મુજબ ડી.જે.નો પ્રચંડ અવાજ સાંભળી આખલો બેફામ થઈ જતાં આ ઘટના બની હતી.
આ પણ વાંચો
બંને બનાવોથી શ્રીજીની આગમન યાત્રાના ઉત્સાહ વચ્ચે શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસ અને પ્રશાસન દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. સાથે સાથે ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવવા માટે યાત્રા દરમિયાન ડી.જે.ના ઉપયોગ અને પ્રાણીઓની સુરક્ષા અંગે સખ્ત માર્ગદર્શિકા જારી કરવાની જરૂરિયાત પણ ઉઠી રહી છે.