અમદાવાદની સેવન્થ ડે સ્કૂલના પ્રિન્સિપાલને બરતરફ કરાયા, નવા પ્રિન્સિપાલની નિમણૂક કરાઇ

16 પ્રકારના અલગ અલગ ડોક્યુમેન્ટ સાથે ઉપસ્થિત રહેવાની DEOની નોટિસ બાદ મેનેજમેન્ટના પ્રતિનિધિઓ માન્યતા સહિતના પુરાવા લઈને સ્કૂલ ખાતે પહોચ્યા હતા.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Sat 30 Aug 2025 09:27 AM (IST)Updated: Sat 30 Aug 2025 09:27 AM (IST)
ahmedabad-seventh-day-school-principal-g-emmanuel-dismissed-594057

Seventh Day School: અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યાની ઘટનામાં ગંભીર બેદરકારી સામે આવતા સેવન્થ ડે સ્કૂલના પ્રિન્સિપાલ જી.ઈમાન્યુઅલને બરતરફ કરવામાં આવ્યો છે. પુણે સ્થિત મેનેજમેન્ટ દ્વારા સ્કૂલમાં નવા પ્રિન્સિપાલ અને પ્રેસિડેન્ટ તરીકે રોબિન્સનની નિમણૂકનો આદેશ કરવામાં આવ્યો છે.

પ્રિન્સિપાલને બરતરફ કરાયા

16 પ્રકારના અલગ અલગ ડોક્યુમેન્ટ સાથે ઉપસ્થિત રહેવાની DEOની નોટિસ બાદ મેનેજમેન્ટના પ્રતિનિધિઓ માન્યતા સહિતના પુરાવા લઈને સ્કૂલ ખાતે પહોચ્યા હતા. જોકે હજુ કેટલીક વિગતો ખૂટતી હોવાથી સોમવાર સુધીનો સમય આપવામાં આવેલ છે. બીજી તરફ પ્રવેશ રદ માટે DEO ની કમિટી સમક્ષ અત્યાર સુધીમાં પ્રવેશ રદ કરાવવા માટે 250થી વધુ અરજીઓ આવી હતી, જેમાંથી 160 એ લેખિતમાં અરજી પણ કરી દીધી હોવાનું સામે આવ્યું છે.

વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી

સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર ધોરણ 8 ના વિદ્યાર્થીએ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. જેના પગલે સારવાર દરમિયાન વિદ્યાર્થીનું મોત થયું હતું. આ ઘટનાના પગલે સ્કૂલમાં વાલીઓએ ભારે હંગામો કર્યો હતો અને તોડફોડ કરી હતી. આ ઘટનામાં સ્કૂલની ગંભીર બેદરકારી પણ સામે આવી હતી. ઘટના અંગે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને જાણ કરાઈ ન હતી, તેમજ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીને સારવાર માટે ખસેડવામાં પણ સ્કૂલ તરફથી સહયોગ મળ્યો ન હતો.

DEO ને રિપોર્ટ સોંપાયો

આમ, સેવન્થ ડે સ્કૂલની ગંભીર બેદરકારી અંગે જિલ્લા શિક્ષણાધિકારીએ રિપોર્ટ કર્યો હતો. ઘટનાના પગલે સ્કૂલના પ્રિન્સિપાલ સહિતના સ્ટાફ સામે કાર્યવાહી કરવા મેનેજમેન્ટને પણ ડીઈઓએ નોટિસ ફટકારી હતી. જેના પગલે મેનેજમેન્ટ દ્વારા સ્કૂલમાં નવા પ્રિન્સિપાલની નિમણૂક કરી હોવાનો પુરાવો ડીઈઓ કચેરીમાં રજૂ કરાયો હતો. બરતરફ થયેલ
પ્રિન્સિપાલ હજુ ICSE બોર્ડના ચેરમેન પદે કાર્યરત જોવા મળી રહ્યો છે. આથી ગુજરાતના શિક્ષણ વિભાગે પ્રિન્સિપાલની ગંભીર બેદરકારીને લઈ ICSE બોર્ડ માંથી તેને હટાવવા માટે રિપોર્ટ કરવો જોઈએ એવી પણ માંગ ઉઠી છે.