Ahmedabad Murder Case: સેવન્થ ડે સ્કૂલ ઘટના બાદ વાલીઓમાં ભયનો માહોલ, 70 વિદ્યાર્થીઓની સ્કૂલ બદલવાની અરજી

સેવન્થ ડે સ્કૂલ ઘટનાની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ કેસની તપાસ હાથ ધરી છે અને આરોપી સગીર વિદ્યાર્થીની ધરપકડ કરીને જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરી છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Wed 27 Aug 2025 02:43 PM (IST)Updated: Wed 27 Aug 2025 02:43 PM (IST)
ahmedabad-seventh-day-school-murder-case-sparks-fear-70-students-seek-transfer-592583

Ahmedabad Student Murder Case Updates: અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં 19 ઓગસ્ટ, 2025ના રોજ ધોરણ 8ના વિદ્યાર્થી દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થી નયનની છરી વડે હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાએ શહેરમાં ભારે હડકંપ મચાવ્યો છે અને સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. આ ઘટનાના પગલે વાલીઓએ સ્કૂલની સુરક્ષા વ્યવસ્થા અને વહીવટ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ શું કહ્યું?

અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) રોહિત ચૌધરીએ ગુજરાતી જાગરણ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે, આ ઘટનાને પગલે વાલીઓની માગણી અને આક્રોશને ધ્યાનમાં રાખીને DEO દ્વારા ચાર અધિકારીઓની એક કમિટી રચવામાં આવી છે, જે વિદ્યાર્થીઓને લીવિંગ સર્ટિફિકેટ (એલસી) આપવાની પ્રક્રિયા હાથ ધરશે. આ કમિટી પાસે અત્યાર સુધીમાં 70 વિદ્યાર્થીઓના વાલીઓએ સ્કૂલ બદલવા માટે અરજી કરી છે. ઉલ્લેખનીય છે કે, સેવન્થ ડે સ્કૂલમાં કુલ 10,000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, અને આ ઘટના બાદ વાલીઓમાં પોતાના બાળકોની સુરક્ષાને લઈને ચિંતા વધી છે.

ક્રાઈમ બ્રાન્ચે આ કેસની તપાસ હાથ

સેવન્થ ડે સ્કૂલ ઘટનાની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ કેસની તપાસ હાથ ધરી છે અને આરોપી સગીર વિદ્યાર્થીની ધરપકડ કરીને જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરી છે. સ્કૂલની બેદરકારીના આરોપોની તપાસ માટે ક્રાઈમ બ્રાન્ચે કોર્ટમાં અરજી કરી છે, જેમાં ઘાયલ વિદ્યાર્થીને સમયસર હોસ્પિટલ ન પહોંચાડવાનો અને પુરાવા નષ્ટ કરવાનો આરોપ લગાવ્યો છે.

સુરક્ષા અને શિસ્તના મુદ્દે ગંભીર ચર્ચા

આ ઘટનાએ શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને શિસ્તના મુદ્દે ગંભીર ચર્ચા ઉભી કરી છે. DEOએ તમામ શાળાઓને સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવા અને સીસીટીવી સિસ્ટમને અદ્યતન રાખવા આદેશ આપ્યો છે. આ ઘટનાના પગલે શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને શિસ્ત માટે કાઉન્સેલિંગની વ્યવસ્થા મજબૂત કરવા પર ભાર મૂક્યો છે.

સેવન્થ ડે સ્કૂલ સ્કૂલની ઘટના શું હતી?

અમદાવાદના મણિનગરની વિસ્તારમાં સેવન્થ ડે સ્કૂલ આવેલી છે. જેનું નામ સેવન્થ ડે એડવેન્ટિસ્ટ ઉચ્ચ માધ્યમિક શાળા છે. જે હાલ ચર્ચામાં છે. 19 ઓગસ્ટ 2025ના રોજ સેવન્થ ડે સ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થીની ધોરણ 8ના વિદ્યાર્થીએ હત્યા કરી છે.આ બનાવના આખા ગુજરાતમાં પડઘા પડ્યા છે. સ્કૂલ ઉપર આરોપ છે કે ઝઘડો અગાઉ પણ થયો હતો પરંતુ ધ્યાન આપવામાં આવ્યું ન હતું. ઉપરાંત વિદ્યાર્થી લોહીલુહાણ હાલતમાં હોય છતાં તેની મદદે કોઈ ન આવ્યું કે ન એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી. માતા અને પરિવાર બનાવની જાણ થતા સ્કૂલે દોડી આવ્યા હતા અને રિક્ષામાં તેને હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ વિદ્યાર્થીનું મોત થયું હતું. ઉપરાંત સ્કૂલ પર એવો આરોપ પણ લાગ્યો છે કે એમ્બ્યુલન્સ બોલાવવાનો સમય  ન હતો પરંતુ હત્યાના કારણે થયેલા લોહીના ડાઘ ધોવા માટે પાણીનું ટેન્કર મંગાવવામાં આવ્યું હતું. હવે લોકો અને સામાજિક સંસ્થા પણ મૃતક નયન સંતાણીને ન્યાય મળે તેવી માંગ કરી રહ્યા હતા.