Gujarat Weather Report | IMD Alert | Ahmedabad: બંગાળની ખાડીમાં સક્રિય થયેલી અપર એરસાયક્લોનિક સિસ્ટમ આગળ વધીને લો માર્ક પ્રેશર બનીને ગુજરાત ઉપરથી પસાર થઈ છે, જેના કારણે રાજ્યમાં ઓગસ્ટના અંત સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે પણ સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધીના 12 કલાક દરમિયાન રાજ્યના 213 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. એવામાં હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક માટે રાજ્યના અલગ-અલગ જિલ્લામાં ભારે વરસાદની શક્યતાને જોતા એલર્ટ જારી કર્યું છે.
હવામાન વિભાગના લેટેસ્ટ વેધર બુલેટીનમાં જણાવ્યા મુજબ, છોટા ઉદેપુર અને પાટણ જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે અત્યંત ભારે વરસાદ પડી શકે છે. જેના કારણે આ બે જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ દરમિયાન 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
આ સિવાય અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, ભરૂચ અને નર્મદા જેવા જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે હળવો થી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. જેના કારણે ઉપરોક્ત 18 જિલ્લાઓમાં ઑરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
જ્યારે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ સહિતના 13 જેટલા જિલ્લાઓમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે. આથી આ જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
ગુજરાતમાં સિઝનનો સરેરાશ 81.74 ટકા વરસાદ વરસ્યો
આ સાથે જ અત્યાર સુધીમાં ગુજરાતમાં 720.78 મિ.મી વરસાદ વરસી ચૂક્યો છે. એટલે કે સિઝનનો સરેરાશ 81.74 ટકા વરસાદ પડી ચૂક્યો છે. જે પૈકી કચ્છ ઝોનમાં 84.58, ઉત્તર ગુજરાત ઝોનમાં 83.59, સૌરાષ્ટ્રમાં 81.25 અને દક્ષિણ ગુજરાત ઝોનમાં 84.38 ટકા વરસાદ નોંધાયો છે.
ગુજરાતના 206 જળાશયો પૈકી 91ને હાઈ એલર્ટ, 28ને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. જ્યારે સરદાર સરોવર તેની કુલ ક્ષમતાના 84 ટકા જેટલો ભરાઈ ચૂક્યો છે.