Ahmedabad News: અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિ કૌશલેન્દ્ર પ્રસાદ મહારાજના પુત્ર વ્રજેન્દ્રપ્રસાદે પોતાની પત્ની અવંતિકા અને તેના સાસરિયા સામે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે. આ ફરિયાદ મુજબ, આરોપીઓએ તેમની પાસેથી રુપિયા 11 લાખ પડાવ્યા છે અને રુપિયા 100 કરોડની માંગણી કરીને ધમકીઓ આપી છે. આ સમગ્ર ઘટનાની તપાસ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ PI એલ.એલ.ચાવડા કરી રહ્યા છે.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, વ્રજેન્દ્રપ્રસાદ અને અવંતિકાના લગ્ન જુલાઈ 2024માં પ્રયાગરાજ ખાતે થયા હતા. લગ્ન પછી તેઓ ઇન્ડોનેશિયાના બાલી ખાતે હનીમૂન માટે ગયા હતા. ત્યાં, અવંતિકાએ ખોરાકમાં સફેદ પાઉડર જેવી શંકાસ્પદ વસ્તુ ભેળવી હતી, જેના કારણે વ્રજેન્દ્રપ્રસાદની તબિયત ખરાબ થઈ ગઈ હતી. બીજી વખત પણ તેણે આવું જ કરતા વ્રજેન્દ્રપ્રસાદે સાવધાની રાખીને ખોરાક ખાધો નહોતો. જ્યારે તેમણે અવંતિકાને આ અંગે પૂછ્યું ત્યારે તેણે તેને આયુર્વેદિક દવા ગણાવી હતી.
વારંવાર પૈસાની માંગણી
હનીમૂનથી પરત ફર્યા બાદ અવંતિકાએ વારંવાર પૈસાની માંગણી કરવાનું શરૂ કર્યું. તેણે તેના ભાઈની શિક્ષણ ફી માટે રુપિયા 3 લાખ સહિત અલગ-અલગ બહાને કુલ રુપિયા 11 લાખ પડાવી લીધા હતા. આ તમામ પૈસા તાત્કાલિક જોઈતા હોવાથી વ્રજેન્દ્રપ્રસાદે પોતાના મિત્રો પાસેથી ઉધાર લઈને આપવા પડ્યા હતા. આ પ્રકારના વર્તન છતાં વ્રજેન્દ્રપ્રસાદે તેને અવગણીને લગ્નજીવન સુધારવાનો પ્રયાસ કર્યો હતો.
અવંતિકાની વોટ્સએપ ચેટ્સ પર્દાફાશ
દુબઈથી પરત ફર્યા બાદ પણ અવંતિકાનું વર્તન શંકાસ્પદ રહ્યું હતું. એક દિવસ વ્રજેન્દ્રપ્રસાદે તેના જૂના ફોનની ચકાસણી કરતા તેના સોશિયલ મીડિયા અને વોટ્સએપ ચેટ્સમાં ચોંકાવનારી વાતો સામે આવી. ચેટ્સમાં તેણે તેની એક મહિલા મિત્ર સાથે મળીને પરિવારને નુકસાન પહોંચાડીને રુપિયા 100 કરોડ પડાવી લેવાની અને ભાગી જવાની યોજના બનાવી હતી. વ્રજેન્દ્રપ્રસાદે આ ચેટ્સના સ્ક્રીનશોટ લઈ લીધા હતા અને પરિવારના સભ્યોને આ અંગે જાણ કરી હતી.
રુપિયા 100 કરોડની માંગણી અને જાનથી મારી નાખવાની ધમકી
જ્યારે વ્રજેન્દ્રપ્રસાદે અવંતિકાના માતા-પિતાને આ સ્ક્રીનશોટ બતાવ્યા ત્યારે તેઓ ગુસ્સે થઈ ગયા અને કહ્યું કે આ બધું ઉપજાવી કાઢેલું છે. તેઓ અવંતિકાને પોતાની સાથે લઈ ગયા અને ધમકી આપી કે, "હમકો ઇસકો ઇન ભેડીયો કે ઘર મેં નહિ રખના હૈ." થોડા મહિના પછી, તેમણે ફરીથી વ્રજેન્દ્રપ્રસાદના પરિવારને મળવાનું કહ્યું અને જાનથી મારી નાખવાની ધમકી આપીને રુપિયા 100 કરોડની માંગણી કરી. આ સમગ્ર ઘટના બાદ વ્રજેન્દ્રપ્રસાદે પોલીસ ફરિયાદ નોંધાવી છે.