Ahmedabad Stabbing Case Update: અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે એડવન્ટિસ્ટ સ્કૂલ હાલમાં વિવાદમાં છે. જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા સ્કૂલને તેની માન્યતા, વર્ગ વધારા અને અન્ય જરૂરી દસ્તાવેજો અંગે ખુલાસો કરવા આદેશ અપાયો છે. આ આદેશમાં સ્પષ્ટ જણાવાયું છે કે જો નિયત સમય મર્યાદામાં દસ્તાવેજો રજૂ કરવામાં નહીં આવે, તો સ્કૂલ સામે એકતરફી કાર્યવાહી કરવામાં આવશે.
સ્કૂલ મેનેજમેન્ટ પર દસ્તાવેજો રજૂ કરવાનો આદેશ
જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સ્કૂલના મેનેજમેન્ટ અને પ્રિન્સિપાલને પાઠવવામાં આવેલા પત્રમાં જણાવાયું છે કે અગાઉ માગવામાં આવેલો ખુલાસો હજુ સુધી રજૂ કરવામાં આવ્યો નથી, જે નિયમ વિરુદ્ધ છે. આથી, સ્કૂલને 29મી ઓગસ્ટ સુધીમાં માન્ય નકશો, બીયુ પરમિશન, અને અન્ય સંબંધિત દસ્તાવેજોની નકલ રજૂ કરવા માટે તાકીદ કરવામાં આવી છે. જો આ આદેશનું પાલન નહીં થાય, તો શિક્ષણ વિભાગ આગળની કાર્યવાહી કરશે તેમ જણાવાયું છે.
વાલીઓએ વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલમાં ટ્રાન્સફર કરવા માટે કરી રજૂઆત
આ વિવાદના કારણે વાલીઓમાં પણ ચિંતાનું વાતાવરણ છે. કુલ 125 જેટલા વાલીઓએ તેમના બાળકોને આ સ્કૂલમાંથી અન્ય સ્કૂલમાં ટ્રાન્સફર કરવા માટે રજૂઆત કરી હતી. આ માગણીને ધ્યાનમાં લઈને, 32 વિદ્યાર્થીઓ માટે શહેરના મણિનગરની વિવિધ સ્કૂલોમાં પ્રવેશની વ્યવસ્થા કરવામાં આવી છે. વાલીઓએ સરકાર પાસે પણ આ મુદ્દે કડક પગલાં લેવાની અપીલ કરી છે.
DEOનો આ દસ્તાવેજ જમા કરવા આદેશ
- ધો 1થી 12ની મંજૂરી સર્ટિફિકેટ
- વર્ગ વધારાની પ્રમાણિત નકલ- આઈસીએસઈ બોર્ડના એફીલીએશન માટે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ તરફથી મેળવેલી એનઓસીની નકલ
- શાળાની બિલ્ડીંગ યુઝ પરમિશન, રજા ચિટ્ટી
- મકાનનો માન્ય નકશો
- ટ્રસ્ટ ડીડ, પીટીઆર નકલ
- આસીએસઈ બોર્ડ સાથે મેળવેલા જોડાણના પ્રમાણપત્રની કલ
- શાળા બિલ્ડિંગ ફાયર એનઓસી
- તમામ ધોરણોમાં વર્ગ વાર સંખ્યા
- શિક્ષકોની લાયકાત સાથેની યાદી
- શિક્ષકોના પગારની વિગતો એકાઉન્ટ નંબર સાથે
- શાળા કેમ્પસમાં કાર્યરત કોલેજની માન્યતાના આધારો
- આઈસીએસઈ, ગુજરાત બોર્ડ પાસેથી મેળવેલ એનઓસી
- શાળા કેમ્પસમાં કાર્યરત કોલેજની સંખ્યા
સેવન્થ ડે સ્કૂલ સ્કૂલની ઘટના શું હતી?
અમદાવાદના મણિનગરની વિસ્તારમાં સેવન્થ ડે સ્કૂલ આવેલી છે. જેનું નામ સેવન્થ ડે એડવેન્ટિસ્ટ ઉચ્ચ માધ્યમિક શાળા છે. જે હાલ ચર્ચમાં છે. 19 ઓગસ્ટ 2025ના રોજ સેવન્થ ડે સ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થીની ધોરણ 8ના વિદ્યાર્થીએ હત્યા કરી છે.આ બનાવના આખા ગુજરાતમાં પડઘા પડ્યા છે. સ્કૂલ ઉપર આરોપ છે કે ઝઘડો અગાઉ પણ થયો હતો પરંતુ ધ્યાન આપવામાં આવ્યું ન હતું. ઉપરાત વિદ્યાર્થી લોહીલુહાણ હાલતમાં હોય છતા તેની મદદે કોઈ ન આવ્યું કે ન એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી. માતા અને પરિવાર બનાવની જાણ થતા સ્કૂલે દોડી આવ્યા હતા અને રિક્ષામાં તેને હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ વિદ્યાર્થીનું મોત થયું હતું. ઉપરાંત સ્કૂલ પર એવો આરોપ પણ લાગ્યો છે કે એમ્બ્યુલન્સ બોલાવવાનો સમય ન હતો પરંતુ હત્યાના કારણે થયેલા લોહીના ડાઘા ધોવા માટે પાણીનું ટેન્કર મંગાવવામાં આવ્યું હતું. હવે લોકો અને સામાજિક સંસ્થા પણ મૃતક નયન સંતાણીને ન્યાય મળે તેવી માંગ કરી રહ્યા હતા.