Ahmedabad Accident: દાસ્તાન સર્કલ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં બે મહિલાકર્મીના મોત, પોલીસ કોન્સ્ટેબલ સહિત 2 મહિલાઓએ જીવ ગુમાવ્યા

મૃતક મહિલાઓમાંથી એક પોલીસકર્મી અને બીજી 108 એમ્બ્યુલન્સ સર્વિસના કર્મચારી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે પોલીસ બેડામાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Tue 26 Aug 2025 08:41 AM (IST)Updated: Tue 26 Aug 2025 08:41 AM (IST)
ahmedabad-accident-woman-killed-another-in-police-custody-in-hit-and-run-591785
HIGHLIGHTS
  • આ અકસ્માત નરોડા વિસ્તારમાં દાસ્તાન સર્કલ નજીક થયો હતો.
  • એક અજાણ્યા ભારે વાહને ટુ-વ્હીલર પર જઈ રહેલી બે મહિલાઓને ટક્કર મારી હતી.

Ahmedabad Accident: અમદાવાદના દાસ્તાન સર્કલ નજીક આજે સવારે એક ગમખ્વાર હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. જેમાં બે મહિલા કર્મચારીઓએ જીવ ગુમાવ્યો છે. મૃતક મહિલાઓમાંથી એક પોલીસકર્મી અને બીજી 108 એમ્બ્યુલન્સ સર્વિસના કર્મચારી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે પોલીસ બેડામાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માત નરોડા વિસ્તારમાં દાસ્તાન સર્કલ નજીક થયો હતો. જ્યાં એક અજાણ્યા ભારે વાહને ટુ-વ્હીલર પર જઈ રહેલી બે મહિલાઓને ટક્કર મારી હતી. અકસ્માત બાદ વાહનચાલક ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલી બંને મહિલાઓને તાત્કાલિક સારવાર માટે શેલ્બી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, પરંતુ દુર્ભાગ્યવશ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કરી હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી. એસ. મલિકે પણ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મહિલાઓની ઓળખ થઈ ગઈ છે. એક મૃતક મહિલા વિરલ રબારી છે, જેઓ ગાંધીનગર સાયબર સેલમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. જ્યારે બીજી મૃતક મહિલાનું નામ હિરલ રાજગોર છે, જેઓ 108 ઇમર્જન્સી કોલ સેન્ટરમાં કામ કરતા હતા. જી ડિવિઝન ટ્રાફિક પોલીસે આ મામલે ગુનો નોંધીને ફરાર વાહનચાલકને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને તેમના પરિવારોને જાણ કરવામાં આવી છે.