Vash Level 2 Box Office collection Day 3: ક્રિષ્ણદેવ યાજ્ઞિક દ્વારા ડાયરેક્ટ ગુજરાતી હોરર ફિલ્મ 'વશ લેવલ 2' બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. ઘણી મોટી ફિલ્મો વચ્ચે પણ આ ગુજરાતી હોરર ફિલ્મ દર્શકોને સિનેમાઘરો સુધી આકર્ષવામાં સફળ રહી છે. આ ફિલ્મમાં જાનકી બોડીવાલા, હિતુ કનોડિયા, મોનલ ગજ્જર અને હિતેન કુમાર જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. જાણો ફિલ્મનું લેટેસ્ટ કલેક્શન…
વશ લેવલ 2 બોક્સ ઓફિસ કલેક્શન (Vash Level 2 Box Office collection)
'વશ લેવલ 2' ફિલ્મ 2023માં રિલીઝ થયેલી ગુજરાતી સાયકોલોજિકલ સુપરનેચરલ ફિલ્મ 'વશ'ની સીક્વલ છે. વશ લેવલ 2 ફિલ્મે પ્રથમ બે દિવસના શાનદાર પ્રદર્શન બાદ શુક્રવારે પણ સારી કમાણી કરી છે. સેકનિલ્કના અહેવાલ અનુસાર ફિલ્મે ત્રીજા દિવસે 94 લાખ રુપિયાની કમાણી કરી છે. જેમાં ગુજરાતી ભાષામાં 54 લાખ અને હિન્દી ભાષામાં 40 લાખનું કલેક્શન કર્યું હતું.

અત્યાર સુધી કુલ કમાણીની વાત કરીએ તો 'વશ લેવલ 2'એ બંને ભાષાઓમાં થઈને કુલ 3.09 કરોડની કમાણી કરી લીધી છે. જેમાં ગુજરાતી ભાષામાં કુલ 1.84 કરોડ અને હિન્દી ભાષામાં 1.25 કરોડની કમાણી કરી છે.
વશ લેવલ 2ને હિન્દી ભાષામાં પણ સારો પ્રતિસાદ
પોતાની મૂળ ભાષામાં તો આ ફિલ્મ સારી કમાણી કરી રહી છે સાથે જ હિન્દીમાં પણ દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે. જોકે હિન્દીમાં આ ફિલ્મે વધુ કમાણી કરવી જોઈતી હતી, પરંતુ મુશ્કેલી એ છે કે ઉત્તર ભારતના પ્રદેશોમાં તેનું પ્રદર્શન મર્યાદિત છે. આ ઉપરાંત, જાનકી બોડીવાલા અભિનીત આ ફિલ્મ મેડૉક ફિલ્મ્સની 'પરમ સુંદરી' સાથે ટકરાઈ રહી છે, જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને જ્હાનવી કપૂર મુખ્ય ભૂમિકામાં છે.
દર્શકો તરફથી મળી રહેલા શાનદાર પ્રતિસાદ સાથે'વશ લેવલ 2' શનિવાર અને રવિવારે પણ શાનદાર પ્રદર્શન કરે તેવી અપેક્ષા છે અને તે અત્યાર સુધીનો સૌથી મોટો કારોબારી દિવસ બની શકે છે. જો તે સારી કમાણી કરે છે તો આ સાયકોલોજિકલ સુપરનેચરલ ડ્રામા તેના 5 દિવસના એક્સટેન્ડેડ વીકેન્ડમાં 4 થી 5 કરોડ રૂપિયાની કમાણી કરી શકે છે. ફિલ્મ 8 કરોડના બજેટમાં બની હતી, તેથી ફિલ્મ સામે તેના બજેટ જેટલું કલેક્શન કરવાનો પણ મોટો પડકાર છે.