ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવીને સતત સાતમી વખત સરકાર બનાવી છે. 1990માં ભાગીદારીની સરકાર બનાવ્યા બાદ 1995થી ગુજરાતમાં ભાજપની સ્વતંત્ર સરકાર છે.2022માં જ્વલંત વિજય મળ્યા બાદ આજે ભૂપેન્દ્ર પટેલે બીજી વાર મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. સાથે જ કુંવરજી બાવળિયા (Kunvarji Bavaliya)એ પણ મંત્રી પદના શપથ લીધા છે. ત્યારે આજે કુંવરજી બાવળિયાના એજ્યુકેશનથી લઇને કુલ સંપત્તિ સહિતની વિગતો અહીં આપવામાં આવી છે.
કુલ સંપત્તિ
આર્થિક સ્થિતિની વાત કરવામાં આવે તો કુંવરજી બાવળિયાની કુલ સંપત્તિ 2.44 કરોડ છે. જેમાંથી 1 કરોડ સ્થાવર મિલકત અને મુવેબલ મિલકત 87 લાખ છે. તેમની કોઈ લાયબિલિટીઝ નથી. ક્રિમિનલ કેસની વાત કરવામાં આવે તો તેમના પર એકપણ કેસ નોંધાયો નથી.
બેકગ્રાઉન્ડ
કુંવરજીભાઈ મોહનભાઈ બાવળિયા વિજય રૂપાણી સરકારમાં પાણી પુરવઠા, પશુપાલન, ગ્રામીણ ગૃહ નિર્માણ મંત્રી હતા. બાવળિયા ગુજરાતની કોળી જાતિના છે.કુંવરજી બાવળિયાને ગુજરાત સરકારમાં કેબિનેટમાં સામેલ કરવામાં આવતા રાજકોટ જિલ્લામાં લોકો દ્વારા તેમને મંત્રી બનાવવાનો વિરોધ થયો હતો.
કુંવરજી બાવળિયાનો અભ્યાસ
બાવળિયાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટીમાંથી બીએસસી અને બીએડની ડિગ્રી મેળવી છે. રાજકારણમાં આવતા પહેલા તેઓ વ્યવસાયે ખેડૂત હતા.
કુંવરજી બાળવિયાની રાજકીય કારકિર્દી
સૌરાષ્ટ્રના કોળી સમાજના આગેવાન કુંવરજી બાવળિયા છેક 1995થી ગુજરાત વિધાનસભા અને ભારતીય સંસદમાં અનુક્રમે ધારાસભ્ય અને સાંસદ રહી ચૂક્યા છે.
કુંવરજી બાવળિયા ઘણી ચૂંટણીઓથી જૂનાગઢની જસદણ વિધાનસભા બેઠકથી ચૂંટાતા આવ્યા છે.આ સિવાય તેઓ રાજકોટથી સાંસદ પણ રહી ચૂક્યા છે. કુંવરજી બાવળિયા જસદણ બેઠક પરથી પાંચ વખત કોંગ્રેસના ધારાસભ્ય પદે રહી ચૂક્યા છે. કુંવરજી બાવળિયાએ જુલાઈ 2018માં કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. જે બાદ તરત જ તેઓ ભાજપમાં સામેલ થયા હતા. વર્ષ 2018માં રાજીનામું આપ્યા બાદ ભાજપની ટિકિટ પરથી જસદણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી જીતી મંત્રીપદ હાંસલ કર્યું હતું. જો કે વર્ષ 2018થી સપ્ટેમ્બર 2021 સુધી એટલે કે રૂપાણી સરકારનાં સામૂહિક રાજીનામાં સુધી તેઓ પાણીપુરવઠો અને ગ્રામગૃહનિર્માણના મંત્રી રહ્યા હતા.
શું છે 2022ની સ્થિતિ
2022ની વિધાનસભાની ચૂંટણીની વાત કરવામાં આવે તો કુંવરજી બાવળિયાએ જસદણ બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી હતી. જેમાં 63808 મત મળ્યા હતા. તેમના નજીક પ્રતિસ્પર્ધી આમ આદમી પાર્ટીના તેજસભાઈ ગજીપરા હતા. જેમને 47636 મત મળ્યા હતા.
જસદણ બેઠકની રસપ્રદ વિગત
જસદણ ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 72મા નંબરની બેઠક છે. આ બેઠક રાજકોટ જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક રાજકોટ છે. આ બેઠકને કોંગ્રેસનો ગઢ માનવામાં આવતી હતી. આ બેઠક પર કુંવરજી બાવળિયા કોંગ્રેસની ટિકિટ પર 1995થી 2007 અને 2017ની ચૂંટણી જીત્યા હતા. બાદમાં તેઓ ભાજપમાં આવી ગયા હતા અને પેટા ચૂંટણીમાં તેઓ ભાજપની ટિકિટ પર વિજયી થયા હતા. ભાજપ માટે આ બેઠક અભેદ કિલ્લા સમાન હતી, પરંતુ 2018ની પેટા ચૂંટણીમાં ભાજપે એ કિલ્લાની ભેદીને વિજય મેળવ્યો હતો.